તમિલનાડુની થેની સબ-જેલમાંથી સોમવારે મોડી રાત્રે એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં એકસાથે 17 કેદીઓ પોલીસ કર્મચારી પર કથિત રીતે હુમલો કરીને જેલમાંથી નાસી છૂટ્યા હતા. આ તમામ 17 આરોપીઓ જેલના એક જ સેલમાં બંધ હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે એક કેદીની તબિયત સારી ન હોવાની માહિતી મળ્યા બાદ જેલ સ્ટાફ સેલની અંદર ગયો ત્યારે આ કેદીઓએ તક ઝડપીને કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો અને ફરાર થઈ ગયા હતા. આ આખી ઘટના બાદ પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે અને પાડોશી વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.
આ હુમલાની ઘટનામાં થેની ડિસ્ટ્રિક્ટ જેલ સાથે જોડાયેલા ગ્રેડ 2 ના પોલીસકર્મી થંગાપાંડીના માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમને જી વિલક્કુની હોસ્પિટલમા એડમિટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 પોલીસકર્મીઓને પણ સામાન્ય ઇજાઓ થઈ છે. સાઉથ ઝોનના આઈજીપી વિજેન્દ્ર બિદારીએ જણાવ્યું હતું કે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન પોલીસે 1 ફરાર કેદીની ધરપકડ કરી લીધી છે. બાકીના કેદીઓને પકડવા માટે 17 સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે. એન્ટિ-પ્રિકોશનરી પગલાં રૂપે દિંડિગુલ ડિસ્ટ્રિક્ટના એસપી એસ. જયકુમારે પુષ્ટિ કરી છે કે પડોશી જિલ્લાના 16 લોકેશન્સ પર ચેકપોસ્ટ ઊભી કરીને વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.
ઘટનાની ગંભીરતા જોતા આસપાસના વિસ્તારો જેમ કે ઇડુક્કી, મધુરાઈ અને દિંડિગુલ જિલ્લાની પોલીસને પણ તાત્કાલિક એલર્ટ કરી દેવામાં આવી છે અને તમામ ફરાર આરોપીઓના ફોટોગ્રાફ્સ પોલીસ અધિકારીઓમાં વહેંચી દેવામાં આવ્યા છે જેથી તેમની ઓળખ સરળ બની રહે. હાલ તો આ માەલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસની અલગ-અલગ ટીમો બાકીના 16 કેદીઓને શોધી કાઢવા માટે ચારેય બાજુ નાકાબંધી કરીને સઘન તપાસ ચલાવી રહી છે અને ટૂંક સમયમાં જ બાકીના આરોપીઓ પણ પોલીસ પકડમાં હશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
