દેશમાં પક્ષપલટાની રાજનીતિ અને નેતાઓની દાયકાઓ જૂની આદત પર લગામ કસવા માટે હવે સુપ્રીમ કોર્ટે કડક રૂખ અપનાવ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે એક મહત્વની અરજી પર સુનાવણી કરતા એ વાતની તપાસ કરવાનું કબૂલ કર્યું છે કે શું કોઈ MLA કે MP પોતાના રાજીનામાના કારણે ખાલી પડેલી બેઠક પર ફરીથી બાય-ઈલેક્શન લડે, તો શું ચૂંટણીનો ખર્ચ તેમની પાસેથી વસૂલવો જોઈએ? અરજદાર વતી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા સિનિયર એડવોકેટ શોએબ આલમે રજૂઆત કરી હતી કે તમિલનાડુમાં AIADMKની ટિકિટ પર ચૂંટાયેલા 6 ધારાસભ્યોએ ચૂંટણીના પરિણામો બાદ મે અને જૂન મહિનામાં રાજીનામા આપીને TVK પાર્ટી પક્ષપલટો કર્યો હતો. આમાંથી 2 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ બાય-ઈલેક્શન યોજાયું હતું અને તેઓ ફરીથી TVKની ટિકિટ પર જીતીને આવ્યા હતા.
અરજદાર કે. સુથાન તરફથી એવી માંગ કરવામાં આવી છે કે કોર્ટે એ પણ તપાસવું જોઈએ કે જે જનપ્રતિનિધિ પોતાની મરજીથી રાજીનામું આપે છે, તેને આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ કે નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી તેમજ જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કેન્દ્ર સરકાર, ઇલેક્શન કમિશન અને રાજીનામું આપીને પક્ષપલટો કરનાર તમામ 6 AIADMK ધારાસભ્યોને નોટિસ જારી કરી છે. અરજીમાં એવો તર્ક આપવામાં આવ્યો છે કે કોઈપણ વ્યક્તિગત અથવા રાજકીય સ્વાર્થ માટે રાજીનામું આપવાના કારણે જનતાએ એક જ બેઠક પર વારંવાર યોજાતી ચૂંટણીઓનો આર્થિક ભાર શા માટે સહન કરવો પડે? નેતાઓની આ મનમાની અટકાવવા માટે ‘ઇલેક્શન એક્સપેન્ડિચર સિક્યોરિટી’ જેવી વ્યવસ્થા અને કૂલિંગ-ઓફ પીરિયડ લાવવાની જરૂર છે.
અગાઉ આ મામલે મદ્રાસ હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે રાજીનામું આપવાનો અધિકાર એ બંધારણીય પ્રક્રિયાનો ભાગ છે અને ન્યાયાલયના આદેશથી તેના પર વધારાની શતો ન મૂકી શકાય, કારણ કે આ નીતિગત મામલો છે. જોકે, હવે સુપ્રીમ કોર્ટના આ હસ્તક્ષેપ બાદ પક્ષપલટો કરીને રાજીનામા આપવાની રાજનીતિ કરતા નેતાઓ અને પક્ષોની મુશ્કેલીઓ વધી શકે છે. જો કોર્ટ આ મામલે કોઈ કડક દિશા-નિર્દેશ આપે કે કૂલિંગ-ઓફ પીરિયડનો નિયમ આવે, તો વારંવાર પક્ષ બદલીને ચૂંટણી જીતવાની રમત રમતા રાજકારણીઓ માટે આગામી સમયમાં રસ્તો ઘણો મુશ્કેલ બની જશે.
