અમેરિકાના ટેક્સાસ રાજ્યના હોપકિન્સ કાઉન્ટીના સલ્ફર સ્પ્રિંગ્સ વિસ્તારમાં આવેલા 70 એકર જમીન ટુકડાને લઈને ચાલી રહેલા લાંબા વિવાદનો અંત આવ્યો છે. વિલિયમ ડેન મોસ અને તેમના પત્ની બ્રેન્ડા મોસ દાવો કરતા હતા કે આ જમીન દાયકાઓથી તેમના પરિવારની છે, પરંતુ વારસામાં માતાની પ્રોપર્ટીમાંથી વિલિયમને બાકાત રાખવામાં આવ્યા બાદ કાનૂની લડાઈ શરૂ થઈ હતી. માતાના નિધન બાદ તેમની વસીયતમાં વિલિયમ માટે કોઈ હિસ્સો ન રાખતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને શરૂઆતથી જ આ કેસમાં કપલને સતત ઝટકા મળતા રહ્યા હતા.
આ વિવાદમાં ગાર્નર હેર ગ્રુપ તરફથી માર્ક લોરેન્સે જમીન ખાલી કરાવવા માટે કેસ કર્યો હતો, કારણ કે આ ગ્રુપનું માનવું હતું કે કપલને જમીન પર રહેવાની કોઈ પરવાનગી આપવામાં આવી નથી. અગાઉ હન્ટ કાઉન્ટી કોર્ટ અને હોપકિન્સ કાઉન્ટીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે પણ વિલિયમના દાવાઓને ફગાવી દીધા હતા. માર્ચ 9 ના રોજ જ્યુરી સમક્ષ થયેલી સુનાવણીમાં પણ નિર્ણય ગાર્નર હેર ગ્રુપની તરફેણમાં આવ્યો હતો. જોકે, કપલે જમીનની માલિકી નક્કી કર્યા વગર ઇવિક્શન ન થઈ શકે અને લેન્ડલોર્ડ-ટેનેન્ટનો સંબંધ ન હોવાના મુદ્દાઓ આગળ કરીને અપીલ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો.
ટેક્સાસની છઠ્ઠી કોર્ટ ઓફ અપીલ્સે કપલની તમામ દલીલોને ફગાવી દીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે કાયદા અનુસાર ગેરકાયદે કબજા સામે કાર્યવાહી કરવા માટે કોઈ ભાડૂઆત કરારની જરૂર નથી. અગાઉની કોર્ટોમાં માલિકીનો વિવાદ પહેલેથી જ ઉકેલાઈ ગયો હોવાથી કોર્ટે ઇવિક્શનનો આદેશ માન્ય રાખ્યો હતો. આ ચૂકાદા સાથે જ દાયકાઓથી પરિવારની હોવાનો દાવો કરનાર કપલે કાનૂની લડાઈ હારીને આખી 70 એકર જમીન ગુમાવવાનો વારો આવ્યો છે.
