ડલ્લાસ કાવબોય્સ ટીમના ભૂતકાળના ખ્યાતનામ સ્ટાર વાઈડ રિસીવર ડેઝ બ્રાયન્ટ હાલમાં એક મોટી વિવાદમાં ફસાયા છે. રવિવારે સાઉથલેક, ટેક્સાસમાં એક રેસ્ટોરન્ટ બહાર કાર ડ્રાઇવિંગ બાબતે તેમની કેટલાક અન્ય લોકો સાથે બબાલ થઈ ગઈ હતી. મામલો એટલો વધી ગયો કે ત્યાં પોલીસને બોલાવવી પડી હતી. આ ઘટના દરમિયાન 37 વર્ષના ડેઝ બ્રાયન્ટે એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે એક પોલીસ ઓફિસરે તેમની નાની દીકરીઓની સામે જ તેમના પર બંદૂક તાણી દીધી હતી, જેના કારણે બાળકો પણ ડચી ગયા હતા.
બનેલી ઘટનાની વિગત મુજબ રવિવારે રસ્તા પર બે ડ્રાઇવરોએ બેફામ ગાડી ચલાવીને ડેઝ બ્રાયન્ટની કારને ઓવરટેક કરીને કાપ મૂક્યો હતો. આ વાત પરથી બહાર ઉતરીને બબાલ થતાં સામેવાળા વ્યક્તિએ તેમને ધમકી આપી કે જાણે તે ગોળીબારી કરી દેશે. બાદમાં તે વ્યક્તિએ ફોન કાઢીને વીડિયો બનાવવાનું શરૂ કર્યું તો ગુસ્સામાં આવીને બ્રાયન્ટે તેના હાથમાંથી ફોન હટાવી દીધો હતો. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે બ્રાયન્ટ સહિત ત્રણેય જણાને જમીન પર સૂઈ જવા આદેશ આપ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ ત્રણેય લોકોને હાથકડી પહેરાવીને પાર્કિંગમાં ફેસડાઉન નીચે જમીન પર સૂવડાવેલી નજરે પડે છે.
આ પૂરા વિવાદ બાદ પોલીસે ડેઝ બ્રાયન્ટને અસોલ્ટ બાય કોન્ટેક્ટ માટેનું સાઈટેશન આપ્યું છે અને તેમને આગામી 20 નવેમ્બર અથવા તે પહેલાં સાઉથલેક મ્યુનિસિપલ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાથી બ્રાયન્ટ કરતાં પણ તેમની દીકરીઓ પર પડેલી માનસિક અસરથી ખૂબ ચિંતિત છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને પોતાની ચિંતા નહોતી, પણ તેમની દીકરીઓ પિતાને જમીન પર પડેલા અને પોલીસને બંદૂક તાણેલા જોઈ રહી હતી તે દ્રશ્ય ખૂબ જ પીડાદાયક હતું. હાલ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને કોર્ટમાં સુનાવણી બાદ જ સાચી હકીકત બહાર આવશે.
