રોજબરોજ હાઈવે પર આવનજાવન કરતા સામાન્ય લોકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈવે ફી રૂલ્સમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. રિન્યૂ થયેલા નિયમો મુજબ હવે નેશનલ હાઈવે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા સ્થાનિક રહેવાસીઓ માટે ખાસ વાર્ષિક કન્સેશનલ પાસની જોગવાઈ કરવામાં આવી છે. આ નવો નિયમ લાગુ થવાથી રોજ મુસાફરી કરતા નોકરીયાતો અને સ્થાનિક વાહનચાલકોના ખિસ્સા પરનું ભારણ ઘણું ઓછું થઈ જશે અને તેઓ સરળતાથી આ સુવિધાનો લાભ મેળવી શકશે.
સરકારની આ નવી યોજના અંતર્ગત પાસના ભાવ ટોલ પ્લાઝાના લોકેશનને આધારે નક્કી કરવામાં આવ્યા છે. જો ટોલ પ્લાઝા મ્યુનિસિપલ કે લોકલ ટાઉન લિમિટની બહાર હશે તો વાર્ષિક પાસની કિંમત માત્ર 1500 રૂપિયા રહેશે, જ્યારે મ્યુનિસિપલ હદની અંદરના પ્લાઝા માટે આ ફી 3000 રૂપિયા નક્કી કરાઈ છે. હાલમાં ચાલતા મંથલી પાસનો ખર્ચ દર મહિને 360 રૂપિયા એટલે કે વાર્ષિક 4320 રૂપિયા થાય છે, જેની સામે આ નવા વાર્ષિક પાસથી મુસાફરો ખાસ્સા એવા નાણાં બચાવી શકશે. જો કે, આ પાસનો ઉપયોગ માત્ર જે તે નિશ્ચિત ટોલ પ્લાઝા પૂરતો જ મર્યાદિત રહેશે અને અન્ય કોઈ પ્લાઝા પર તે માન્ય નહીં ગણે.
આ રાહત મેળવવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે જેમાં વાહન પર્સનલ યુઝ માટે રજિસ્ટર્ડ હોવું જોઈએ અને તેમાં વેલિડ તથા ચાલુ હાલતમાં ફાસ્ટેગ હોવું ફરજિયાત છે. આ ઉપરાંત જ્યાં ક્લોઝ્ડ યુઝર ફી કલેક્શન સિસ્ટમ હોય તેવા હાઈવે કે એક્સપ્રેસવે પર આ સુવિધા લાગુ થશે નહીં. જો રહેવાસીઓ માટે કોઈ વૈકલ્પિક રસ્તો કે સર્વિસ રોડ ઉપલબ્ધ હશે તો પણ આ કન્સેશન મળશે નહીં, એટલે કે વૈકલ્પિક રસ્તાનો અભાવ આ પાસ મેળવવા માટેની મુખ્ય શરત રહેશે. આ વાર્ષિક દરોમાં દર વર્ષે 1 એપ્રિલના રોજ સરકારી નિયમો મુજબ ફેરફાર પણ કરવામાં આવશે.
