JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

નડિયાદના વડતાલ મંદિરે શરદોત્સવ અને શરદ પૂનમની ભવ્ય ઉજવણી, હરિભક્તોમાં ભારે ઉત્સાહ

Oct 27, 2026 | 01:15 | By JAMNAGAR MIRROR
નડિયાદના વડતાલ મંદિરે શરદોત્સવ અને શરદ પૂનમની ભવ્ય ઉજવણી, હરિભક્તોમાં ભારે ઉત્સાહ
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શરદોત્સવ નિમિત્તે 100 ફૂટ ઊંચી માંડવડીમાં શ્રીહરિ બિરાજમાન થયા હતા. રાત્રે યોજાયેલા ભવ્ય રાસોત્સવમાં હજારો હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી જ્યારે સોમવારે શરદ પૂનમે દર્શનાર્થીઓનો ભારે મહેરામણ ઊમટ્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ વડતાલ મંદિરમાં રવિવારે શરદોત્સવની ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે મોટાલાલજી સૌરભપ્રસાદ મહારાજના પવિત્ર સાંનિધ્યમાં ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહીને ઉત્સવનો લાભ લીધો હતો. આસો સુદ ચૌદશની રવિવારની રાત્રે મંદિર પરિસરના હરિમંડપ પાછળ કાષ્ટની 100 ફૂટ ઊંચી ભવ્ય માંડવડી તૈયાર કરવામાં આવી હતી, જ્યાં ચાંદનીની સુંદર રોશની વચ્ચે શ્રીહરિ બિરાજમાન થયા હતા અને ભાવપૂર્વક પૂજન-આરતી ઉતારવામાં આવી હતી.

આ ભવ્ય ઉત્સવ દરમિયાન રાત્રિના 9 થી 12 કલાક દરમિયાન સુરતના ગુણાત્તીત ઓરકેસ્ટ્રા કલાકુંજના સથવારે અંદાજીત 5000 કરતા પણ વધુ હરિભક્તોએ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી, કોઠારી દેવપ્રકાશ સ્વામી સહિતના અગ્રણી સંતો, યજમાન પરિવાર તેમજ વડતાલ, વલેટવા, સંજાયા, નરસંડા, જોળ, બામરોલી અને આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ ઉત્સાહભેર દર્શનનો લાભ લઈને પરંપરાગત દૂધ પૌંઆનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

ત્યારબાદ સોમવારે શરદ પૂનમ નિમિત્તે મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિતના તમામ દેવોને વિશેષ વાઘા તથા સુંદર સુવર્ણ આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. શરદ પૂનમના દિવસે સવારે મંગળા આરતીથી માંડીને રાત્રે શયન આરતી સુધી મંદિરમાં દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો અને આખો દિવસ સ્વામિનારાયણ મહામંત્રના દિવ્ય નાદથી સમગ્ર યાત્રાધામ ગુંજી ઉઠ્યું હતું.

LATEST ARTICLES