વલ્લભ વિદ્યાનગર સ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીના પટાંગણમાં નવરાત્રિ પર્વની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આદિ દેવી મહારુદ્રા મહોત્સવ 2026 ના આ ખાસ અવસર પર આણંદની જાણીતી ડી.એન હાઇસ્કૂલ અને શિશુવિહાર શાળાના પ્રાંગણમાં અનોખો જ માહોલ જોવા મળ્યો હતો. નાનાં બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓ સુધીના તમામમાં માં અંબાની ભક્તિનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર શાળા પરિસર ગરબાના તાલે અને માતાજીના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
આ રંગારંગ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ તેમજ શિશુવિહાર શાળાના નાના ભૂલકાઓ મનમોહક પરંપરાગત પોશાકમાં સજ્જ થઇને આવ્યા હતા. આ ભવ્ય આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢી અને વિદ્યાર્થીઓમાં આપણી ભારતીય સંસ્કૃતિ, સંસ્કારો અને માતૃશક્તિની ઉપાસનાનું સાચું સિંચન કરવાનો હતો. પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને આવેલા બાળકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી, જેને જોઈને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ આનંદદાયક પ્રસંગે હાઇસ્કૂલના આચાર્ય, સુપરવાઇઝર તેમજ શિશુવિહાર શાળાના આચાર્ય બેલાબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ વિદ્યાર્થીઓ સાથે આ પર્વની ઉજવણી કરી હતી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આગામી સમયમાં વિદ્યાર્થીઓના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, નવી ઉર્જા અને સફળતાનો સંચાર થાય તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમે સૌ કોઈના દિલ જીતી લીધા હતા અને યાદગાર બની રહ્યો હતો.
