સોમવારે સુપ્રીમ કોર્ટે અર્ન્સ્ટ એન્ડ યંગ US LLP (EY US) ની તે અરજી પર સુનાવણી માટે સંમતિ દર્શાવી છે, જેમાં કર્મચારીઓની આપ-લે સંબંધિત ખર્ચને ટેક્સ યોગ્ય ગણવાના વિવાદને પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ PS નરસિમ્હાની આગેવાની હેઠળની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના જૂન મહિનાના તે ઓર્ડર સામે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે, જેમાં EY US ને મળેલી 24.06 કરોડ રૂપિયાની રકમને ફી ફોર ટેકનિકલ સર્વિસીસ (FTS) ગણાવીને ટેક્સપાત્ર ઠેરવવામાં આવી હતી. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે US કંપની દ્વારા આપવામાં આવેલી સર્વિસીઝ ભારત-US ડબલ ટેક્સેશન અવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA) હેઠળ મેક અવેલેબલ ટેસ્ટને સંતોષે છે.
આ કેસમાં અર્ન્સ્ટ એન્ડ યંગે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે ઇન્કમ ટેક્સ અપેલાટ ટ્રિબ્યુનલ (ITAT) એ અગાઉ સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે ડેપ્યુટ કરાયેલા કર્મચારીઓ વાસ્તવમાં EY ઇન્ડિયા એન્ટિટીઝના જ કર્મચારીઓ હતા. ટ્રિબ્યુનલે એવું પણ માની લીધું હતું કે EY ઇન્ડિયા દ્વારા EY US ને ચૂકવાયેલી રકમ આ કર્મચારીઓના હાથમાં સેલેરી તરીકે પહેલેથી જ ટેક્સ ચૂકવાઈ ચૂકી છે અને આ રકમ માત્ર કોસ્ટ-ટુ-કોસ્ટ રિઈમ્બર્સમેન્ટ જ હતી. કંપનીનું માનવું છે કે જ્યારે આ રકમ પર ભારતમાં કામ કરતા કર્મચારીઓ તરફથી ટેક્સ ભરાઈ ચૂક્યો છે, ત્યારે અસેસી કંપની એટલે કે EY US પર ફરીથી ટેક્સ લગાવીને ડબલ ટેક્સેશનની સ્થિતિ ઊભી ન થવી જોઈએ.
બીજી બાજુ, હાઈકોર્ટે અગાઉ ITAT ના તે ઓર્ડરને રદ કર્યો હતો જેમાં 24.06 કરોડ રૂપિયાના કોસ્ટ-ટુ-કોસ્ટ રિઈમ્બર્સમેન્ટને FTS ગમવાનું નકાર્યું હતું. હાઈકોર્ટનું માનવું હતું કે આસસેસિંગ ઓફિસર અને ડિસ્પ્યુટ રેઝોલ્યુશન પેનલના નિર્ણયથી અલગ જઈને ટ્રિબ્યુનલે કોઈ નક્કર કારણો રજૂ કર્યા નહોતા. હવે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની વધુ સુનાવણી હાથ ધરાશે, જેના પરિણામ પર દેશભરની મલ્ટિનૅશનલ કંપનીઓની નજર ટકેલી છે કેમ કે આ ચુકાદો ભવિષ્યના આવા ટેક્સ વિવાદો પર સીધી અસર કરશે.
