નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટે બિઝનેસ જગત અને બેન્કિંગ સેક્ટરને મોટો સંદેશ આપતા એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એકવાર કમિટી ઓફ ક્રેડિટર્સ એટલે કે CoC દ્વારા કોઈ રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દેવામાં આવે અને તેને NCLT સમક્ષ રજૂ કરી દેવાય, ત્યાર પછી બેંકો કે ક્રેડિટર્સ પોતાની મંજૂરી પાછી ખેંચી શકતા નથી. ભલે પછી દેવામાં ડૂબેલી કંપનીની આર્થિક સ્થિતિ કે નફો કેમ ન સુધરી ગયો હોય, આ નિયમમાં કોઈ છૂટછાટ મળી શકે નહીં. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય કો-ક્રેડિટર્સની અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે.
આ કેસમાં બેંક ઓફ ઇન્ડિયા ઉપરાંત કેનેરા બેંક, ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક અને પંજાબ નેશનલ બેંક જેવા મોટા સભ્યો સામેલ હતા. બેંકોની દલીલ હતી કે TD ટોલ રોડ કંપનીની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને જો આ જ પ્લાન આગળ વધારવામાં આવે તો સફળ રેઝોલ્યુશન એપ્લિકન્ટ એટલે કે SRA ને મોટો ફાયદો થઈ શકે છે, કારણ કે તેણે હવે પ્લાન નક્કી થયો હતો તેના કરતા ઓછું નવું ફંડ લાવવું પડશે. જોકે, કોર્ટે આ દલીલ ફગાવી દીધી અને સ્પષ્ટ કર્યું કે જો રેઝોલ્યુશન પ્લાન IBC ના નિયમોનું પાલન કરતો હોય, તો માત્ર કંપનીનો નફો વધી ગયો છે તે કારણસર મંજૂરી નકારી શકાય નહીં.
કોર્ટે એ પણ નોંધ્યું કે રેઝોલ્યુશન પ્લાન કોઈ સામાન્ય કરાર નથી, પરંતુ તે IBC ના કાનૂની માળખા અને વોટિંગ મિકેનિઝમ હેઠળ મંજૂર થાય છે, જેમાં સેક્શન 30(4) હેઠળ અસહમત લેણદારો પણ બંધાયેલા રહે છે. જો કે, સુપ્રીમ કોર્ટે ટ્રિબ્યુનલને નિર્દેશ આપ્યો છે કે રેઝોલ્યુશન પ્લાનની મંજૂરીની અરજી તેમજ હોલ્ડિંગ કંપનીની વન-ટાઇમ સેટલમેન્ટ લાગુ કરવાની અને કોર્પોરેટ ઇન્સોલ્વન્સી પ્રોસેસ પૂરી કરવાની અરજી પર સાથે મળીને વિચારણા કરવામાં આવે. આ ચુકાદાથી હવે બેંકો અને ક્રેડિટર્સ મંજૂર થયેલા પ્લાનમાંથી મનસ્વી રીતે પીછેહઠ નહીં કરી શકે.
