દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધૂમલી સ્થિત તપોવન વિશ્વવિદ્યાલય દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે, જેમાં નાની વયના વિદ્યાર્થીઓએ સાયકલના માધ્યમથી મોટો સંદેશ આપ્યો છે. ધોરણ-3થી 12 સુધીના અભ્યાસ કરતા 25 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ગત 17 ઓક્ટોબરના રોજ બરડા ડુંગરથી પોતાની આ ખાસ સાયકલ યાત્રા શરૂ કરી હતી. 400 કિલોમીટર કરતા વધુનું લાંબું અંતર કાપીને આખી ટીમ પાટનગર ગાંધીનગર પહોંચી ત્યારે તેમનું ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના ઉમિયા મંદિરના પરિસરમાં આયોજિત આ સ્વાગત સમારોહમાં વિધાર્થીઓને કુમકુમ તિલક કરીને પરંપરાગત રીતે આવકારવામાં આવ્યા હતા અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા આ તમામ સાયકલિસ્ટોનું સન્માન કરાયું હતું.
આ લાંબી સફર દરમિયાન આ બાળ વિદ્યાર્થીઓએ માત્ર સાયકલ જ નથી ચલાવી, પરંતુ રસ્તામાં આવતા ગામડાઓ, હોસ્પિટલ, આશ્રમો અને ગૌશાળાઓની મુલાકાત લઈને સામાન્ય લોકોને સીધા સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે ગ્રામજનોને ભેગા કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવા, આજની જરૂરિયાત એવી સાયબર સુરક્ષા, પર્યાવરણનું જતન, આસપાસ સ્વચ્છતા રાખવી, વ્યસન મુક્તિ અને શિક્ષણનું મહત્વ સમજાવતા વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ યાત્રાનું સૌથી મોટું આકર્ષણ એ રહ્યું કે વિદ્યાર્થીઓએ રસ્તામાં જ્યાં પણ રાત્રી રોકાણ કર્યું, તે દરેક સ્થળે એક-એક પીપળાનું વૃક્ષ વાવીને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી અનોખી રીતે અદા કરી હતી.
ગાંધીનગર પહોંચ્યા બાદ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. એસ. જોશીના હસ્તે તમામ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા. આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ લાવવાની સાથે-સાથે પર્યાવરણનું રક્ષણ કરવા અને પ્રકૃતિ પ્રત્યે લોકોમાં સંવેદનશીલતા વધારવાનો હતો. આજના ડિજિટલ યુગમાં આ બાળકોએ સાયકલ દ્વારા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી જીવવાનો જે સંદેશ આપ્યો છે, તે ખરેખર સમગ્ર સમાજ માટે એક નવો રાહ ચીંધનાર સાબિત થયો છે.
