નડિયાદ સ્થિત પ્રખ્યાત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી એટલે કે ડીડીયુના બે પ્રોફેસરોએ વૈશ્વિક સ્તરે સંશોધન ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. યુનિવર્સિટીના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રણવ આર. મહેતા અને ઈન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હિમાંશુકુમાર આર. પટેલની પસંદગી વિશ્વના ટોચના 2% વૈજ્ઞાનિકોની યાદીમાં થઈ છે. એલ્સેવિયર અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવતા આ prestigiuos લિસ્ટમાં સ્થાન મળવાથી નડિયાદ જ નહીં પરંતુ સમગ્ર શૈક્ષણિક જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ બંને પ્રોફેસરોની શાનદાર રિસર્ચ જર્નીની વાત કરીએ તો, ડૉ. પ્રણવ આર. મહેતાના ગુગલ સ્કોલર પ્રોફાઈલ મુજબ અત્યાર સુધીમાં 91થી વધુ રિસર્ચ પેપર્સ અને 2600થી વધુ સાઈટેશન્સ નોંધાયા છે, તેમનો એચ-ઈન્ડેક્સ 29 અને આઈ10-ઈન્ડેક્સ 47 છે. તેમનું મુખ્ય સંશોધન સૌર ઉર્જા, ટકાઉ થર્મલ સિસ્ટમ અને એઆઈ આધારિત એન્જિનિયરીંગ પર છે. જ્યારે બીજી તરફ ડૉ. હિમાંશુકુમાર આર. પટેલ પણ કોઈથી પાછળ નથી, તેમણે અત્યાર સુધીમાં 85થી વધુ રિસર્ચ પેપર્સ પબ્લિશ કર્યા છે અને 1100થી વધુ સાઈટેશન્સ મેળવ્યા છે, તેમનો એચ-ઈન્ડેક્સ 22 અને આઈ10-ઈન્ડેક્સ 41 છે. તેઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ઓપ્ટિમાઈઝેશન જેવા અઘરા વિષયો પર કામ કરી રહ્યા છે.
આ શાનદાર ઉપલબ્ધિથી યુનિવર્સિટીનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન થયું છે, જેને લઈને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદ્મશ્રી ડૉ. એચ.એમ. દેસાઈ, અંકુર એચ. દેસાઈ, રજિસ્ટ્રાર એમ.આર. ભાવસાર, ડીન પ્રો. વી.એ. શાહ અને એન્જિનિયરીંગ વિભાગના વડા આર.એમ. જોશીએ બંને પ્રાધ્યાપકોને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા છે. આ પ્રકારની સિદ્ધિઓ આવનારી નવી પેઢીના વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો માટે પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે કંઈક કરી છૂટવા માટે મોટી પ્રેરણા સાબિત થશે.
