પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં શરદોત્સવ અને શરદપૂર્ણિમાના પાવન અવસરે ભક્તજનોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. સોમવારે વહેલી સવારે 5.15 કલાકે મંગળા આરતીના દર્શનનો લાભ લેવા માટે મંદિરનો ઘુમ્મટ ભક્તોથી સંપૂર્ણપણે ઉભરાઈ ગયો હતો. રવિવારે શરદોત્સવની ઉજવણી બાદ સોમવારે શરદપૂર્ણિમા નિમિત્તે પૂનમ ભરવા આવેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ડાકોર પહોંચ્યા હતા. વહેલી સવારે રાસબિહારી સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને આખો દિવસ સમગ્ર યાત્રાધામમાં જાણે કોઈ મીની મેળા જેવો ઉત્સાહિત માહોલ સર્જાયો હતો.
મંદિરના સેવક હરેન્દ્રભાઈના જણાવ્યા મુજબ, સોમવારે મંગળાઆરતી બાદ ભગવાનને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું અને નિત્ય પૂજા વિધિ કરવામાં આવી હતી. આ વિશેષ દિવસે શ્રી ઠાકોરજીને શ્વેત ઝરીવાળા વાઘા, સુવર્ણ આભૂષણો તેમજ સુવર્ણ શંખ, ચક્ર, પદ્મ અને ગદા અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ભગવાનના શીરે મનોહર મોટો મુગટ પણ ધરાવવામાં આવ્યો હતો. વર્ષો પહેલાં આ મુગટની કિંમત સવા લાખ રૂપિયા હતી, પરંતુ આજે તેનું મૂલ્ય કરોડો રૂપિયા આંકવામાં આવે છે. ખાસ વાત એ છે કે ભગવાનને આ મોટો મુગટ વર્ષમાં માત્ર 3 જ વખત એટલે કે શરદપૂર્ણિમા, કારતકી પૂર્ણિમા અને જન્માષ્ટમીના પર્વ પર જ ધરાવવામાં આવે છે.
વહેલી સવારની મંગળાઆરતીથી લઈને મોડી સાંજે શયન આરતી સુધી મંદિરમાં ભક્તોની ભારે ભીડ રહી હતી અને દિવસ દરમિયાન 1 લાખથી વધુ ભક્તોએ દિવ્ય દર્શનનો લહાવો લીધો હતો. શયન દર્શન સમયે ભગવાનને ધરાવેલો મોટો મુગટ ઉતારીને નજર ઉતારવાની વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન અનુકૂળતા મુજબ પોઢી ગયા હતા. લાખોની સંખ્યામાં ઉમટેલા ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ખડેપડે તૈનાત રહી હતી.
