JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

પાલનપુરથી ગઠામણનો માર્ગ ગંદકીથી ખદબદ્યો, ચીફ ઓફીસરના ઘર પાસે જ ગટરના પાણી ઉભરાયા

Oct 27, 2026 | 00:55 | By JAMNAGAR MIRROR
પાલનપુરથી ગઠામણનો માર્ગ ગંદકીથી ખદબદ્યો, ચીફ ઓફીસરના ઘર પાસે જ ગટરના પાણી ઉભરાયા
પાલનપુરમાં સ્વચ્છતા અભિયાન માટે સરકાર તરફથી મળેલી રૂા. 1 કરોડની ગ્રાન્ટ કાગળ પર જ વપરાયાની લોકચર્ચા ચાલી રહી છે. ગઠામણ રોડ પર ચીફ ઓફીસરના રહેણાંક નજીક જ છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા રૂા. 1 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી હતી. સરકારની આ પ્રેરણા છતાં પાલનપુરની વાસ્તવિક સ્થિતિ જોઈને એવું લાગે છે કે આ કરોડો રૂપિયા માત્ર કાગળ પર જ વાપરવામાં આવ્યા હોય. ખાસ કરીને પાલનપુરથી ગઠામણ તરફ જતા મુખ્ય માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે અને જ્યાં ખરેખર સફાઈની સૌથી વધુ જરૂર છે તેવા ગઠામણ રોડ પર ખુદ ચીફ ઓફીસરના રહેણાંક નજીક જ તીવ્ર દુર્ગંધ મારી રહી છે અને રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે.

આ ગઠામણ રોડ પર છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યા ચાલી રહી છે, જેને લઈને આસપાસના ગ્રામજનો અને સ્થાનિકો દ્વારા અનેકવાર લેખિત તથા મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે વરસાદી પાણીની લાઈનમાં ગટરના કનેક્શન જોડી દેવામાં આવ્યા છે, અને આ ગંદુ પાણી નજીકના તળાવમાં ઠાલવવામાં આવી રહ્યું છે. વળી, પાઈપ ફાટી જવાના કારણે ગટરનું તીવ્ર વાસ મારતું ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ જાય છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ચાલતા જતાં લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને જ્યારે વાહનો નીકળે ત્યારે ગંદા પાણીના છાંટા ઉડવાથી લોકો ત્રાસી ગયા છે. આટલી ગંભીર સમસ્યા હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા પાલિકાના જ કેટલાક અધિકારીઓની મિલીભગત કે સંડોવણી હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. સૌથી નવાઈની વાત તો એ છે કે આ સમસ્યા ખુદ ચીફ ઓફીસરના ઘરની નજીક જ આવેલી છે, છતાં તેમના દ્વારા કોઈ પગલાં ન ભરવામાં આવતા તેમની ભૂમિકા પણ અત્યારે શંકાના ઘેરામાં આવી ગઈ છે અને લોકોમાં તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.

LATEST ARTICLES