ગાંધીનગરના કુડાસણ સરદાર ચોક ખાતે આયોજિત ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનો રવિવારે રંગારંગ પ્રારંભ થયો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા આ ફેસ્ટિવલના પહેલા જ દિવસે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંદાજિત 20 હજાર જેટલા લોકોએ આ ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. આ ઉત્સવનો શુભારંભ ધારાસભ્ય રીટાબેન પટેલ, કલેક્ટર રવિન્દ્ર ખતાલે તથા શહેર ભાજપ પ્રમુખ આશિષ દવેની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આ શોપિંગ ફેસ્ટિવલમાં લોકો માટે હેન્ડીક્રાફ્ટ, ઘર સુશોભનની વસ્તુઓ તેમજ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના અલગ-અલગ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. અહીં આવનાર નાગરિકો ખરીદીની સાથે-સાથે અવનવી વાનગીઓનો સ્વાદ પણ માણી રહ્યા છે. ખરીદીના આ ઉત્સવમાં સંગીતમય માહોલ ઉમેરવા માટે પ્રથમ દિવસે પ્રખ્યાત મ્યુઝિકલ બેન્ડ સ્ટોન કીઝનું લાઈવ પરફોર્મન્સ યોજાયું હતું. બેન્ડના કલાકારોએ ગુજરાતી અને બોલિવૂડના લોકપ્રિય ગીતો રજૂ કરીને ત્યાં ઉપસ્થિત તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આગામી 6 નવેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં શહેરીજનોને ભરપૂર મનોરંજન મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે અલગ-અલગ કલાકારો દ્વારા લાઈવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. તહેવારની સિઝનમાં ગાંધીનગરવાસીઓ માટે પરિવાર સાથે ખરીદી કરવા અને મનોરંજન માણવા માટે આ જગ્યા હાલમાં સુંદરમાં સુંદર હબ બની રહી છે.
