મહેસાણા જિલ્લામાં લેન્ડ રેકોર્ડ્ઝ વર્ગ-3 કર્મચારી મંડળની હડતાળ પૂરી થયા બાદ પણ કચેરીઓમાં કામગીરીનો ભાર યથાવત રહ્યો છે. જમીન રી-સર્વેના પ્રમોલગેશનમાં અનેક ખામીઓ સામે આવ્યા બાદ ખેડૂતો દ્વારા રી-સર્વે માટે લેન્ડ રેકોર્ડ કચેરીમાં અરજીઓનો ભારે મારો ચલાવવામાં આવ્યો હતો, પરંતુ કર્મચારીઓની હડતાળના કારણે કામગીરીને મોટો ફટકો પડ્યો છે. હડતાળ બાદ સમગ્ર જિલ્લામાં માત્ર 1421 અરજીઓનો જ નિકાલ થઈ શક્યો છે, જ્યારે હજુ પણ હજારોની સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ બોલી રહી છે જેના કારણે ખેડૂત વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં હાલ કુલ 46120 અરજીઓ પેન્ડિંગ છે, જેમાં સૌથી વધુ કડી તાલુકામાં 10165 અરજીઓનો નિકાલ બાકી છે. આ ઉપરાંત મહેસાણામાં 7284, વિજાપુરમાં 6722, વિસનગરમાં 6349, ઊંઝામાં 6150, બેચરાજીમાં 3068, વડનગરમાં 2286, ખેરાલુમાં 2254 અને સતલાસણામાં 1842 અરજીઓ પેન્ડિંગ છે, જોકે રાહતની વાત એ છે કે જોટાણા તાલુકામાં એક પણ અરજી પેન્ડિંગ નથી. હડતાળ પછીના સમયમાં મહેસાણા તાલુકામાં સૌથી વધુ 356 અરજીઓ અને ઊંઝામાં સૌથી ઓછી 36 અરજીઓનો નિકાલ કરાયો છે, જ્યારે છેલ્લા 10 દિવસમાં માત્ર 449 અરજીઓ જ નિકાલ પામી છે. જિલ્લામાં કુલ 22182 અરજીઓની માપણી હજુ બાકી છે અને 23189 અરજીઓ એમટીઆર પાસે પેન્ડિંગ છે.
મહેસાણા જિલ્લામાં કામગીરી ઝડપી બનાવવા માટે 11 નવી કચેરીઓ શરૂ કરવામાં આવી હોવા છતાં જમીન માપણી અને રી-સર્વેની કામગીરીમાં અતિશય વિલંબ થઈ રહ્યો છે. સર્વેયરો દ્વારા બાકી રહેતી જમીન માપણી અને અરજીઓ દફતરે કરવાની કામગીરી ચાલી રહી છે અને કર્મચારીઓ પણ હવે સક્રિય બન્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એવી છે કે ખેડૂતોએ પોતાના નાના-મોટા કામ માટે પણ સરકારી કચેરીઓના લાંબા ધક્કા ખાવા પડી રહ્યા છે. જમીનના પ્રશ્નો સમયસર ઉકેલાતા ન હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે અને વહેલી તકે આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેવી માંગ ઉઠી રહી છે.
