JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

મહેસાણામાં લોકશાહીના પર્વનો ઉત્સાહ, 7 વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયા 6557 નવા યુવા મતદારો

Oct 27, 2026 | 00:55 | By JAMNAGAR MIRROR
મહેસાણામાં લોકશાહીના પર્વનો ઉત્સાહ, 7 વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયા 6557 નવા યુવા મતદારો
મહેસાણા જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે યોજાયેલી ખાસ ઝુંબેશમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. જિલ્લાના 7 વિધાનસભા મતક્ષેત્રોમાં 18 થી 19 વર્ષની વયના 6557 નવા યુવા મતદારો સહિત કુલ 33430 ફોર્મ ભરાયા હતા, જેથી લોકશાહીની પ્રક્રિયામાં યુવાનોનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો છે.

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને એક પણ લાયક મતદાર યાદીમાં નામ નોંધાવવાથી વંચિત ન રહે તે માટે ખાસ જાગૃતિ અભિયાન અને મતદારયાદી સુધારણાની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઈન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારી બીરેન પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ 7 વિધાનસભા મતક્ષેત્રોના 1991 મતદાન મથકો પર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત 11, 18 અને 25 ઓક્ટોબરના રોજ તમામ બુથ પર સવારે 10.00 વાગ્યાથી સાંજે 5.00 વાગ્યા સુધી સંબંધિત બીએલઓ ફરજ પર હાજર રહીને નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ફોર્મ સ્વીકાર્યા હતા.

આ ઝુંબેશ દરમિયાન નવા મતદારોના નામ ઉમેરવા, હયાત યાદીની ક્ષતિઓ સુધારવી અને ખાસ કરીને 18 થી 19 વર્ષના નવયુવાનોને પ્રથમ વખત લોકશાહીની પ્રક્રિયામાં જોડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રાપ્ત આંકડા મુજબ આ ખાસ દિવસો દરમિયાન ફોર્મ-6, ફોર્મ-7 અને ફોર્મ-8 ના કુલ 33430 જેટલા ફોર્મ ભરાયા હતા. માત્ર 25 ઓક્ટોબરના એક જ દિવસની વાત કરીએ તો, જિલ્લામાં ફોર્મ-6 માં 475, ફોર્મ-7 માં 777 અને ફોર્મ-8 માં 6428 અરજીઓ મળી હતી, જ્યારે માત્ર 18 થી 19 વર્ષની વયજૂથના જ 2566 જેટલા નવા યુવા મતદારોએ ઉત્સાહભેર નોંધણી કરાવી હતી.

આ સફળ અભિયાનથી જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ નાગરિકો સુધી ચૂંટણી તંત્ર પહોંચવામાં સફળ રહ્યું છે. તંત્ર દ્વારા આગામી સમયમાં પણ લોકશાહીના આ મહાપર્વમાં વધુથી વધુ લોકો જોડાય અને પોતાના મતાધિકારનું મહત્વ સમજીને મતદાન પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બને તે માટે આવા જાગૃતિના પ્રયાસો જારી રાખવામાં આવશે, જેથી કોઈ પણ પાત્ર મતદાર પાછળ ન રહી જાય.

LATEST ARTICLES