નવી દિલ્હી ખાતે ઇલેક્શન કમિશને સુપ્રીમ કોર્ટમાં એક મહત્વનું સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટતા કરી છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંદર્ભના તમામ નિર્ણયો કમિશન દ્વારા એકમતે અને સર્વાનુમતે લેવામાં આવ્યા છે. ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સાથી કમિશનરોના વિરોધ છતાં એકતરફી નિર્ણયો લેવાના થઈ રહેલા દાવાઓને કમિશને સદંતર ફગાવી દીધા છે. કમિશનના જણાવ્યા મુજબ આ સમગ્ર વિવાદ માત્ર એક ન્યૂઝ રિપોર્ટ પર આધારિત છે અને અરજદારે આક્ષેપો કરતા પહેલા કોઈ પુષ્ટિ કરી ન હતી, જેથી આ અરજી ટકી શકે તેમ નથી.
ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ભાનુ પ્રકાશ યેતુરુ દ્વારા દાખલ કરાયેલા આ સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે 24 જૂન 2025, 27 ઓક્ટોબર 2025 અને 14 મે 2026ના રોજ મતદાર યાદી સુધારણાને લગતા 3 ઓર્ડર ખુદ CEC જ્ઞાનેશ કુમાર તેમજ ઇલેક્શન કમિશનર્સ સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી દ્વારા સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા. કમિશને સ્પષ્ટ કર્યું કે ફાઇલ પ્રોસેસિંગ દરમિયાન વ્યક્તિગત કમિશનરો દ્વારા નોંધવામાં આવતી આંતરિક નોટ્સ, પ્રશ્નો કે સૂચનો એ કોઈ કમિશનનો સત્તાવાર નિર્ણય નથી. સામાન્ય રીતે ફાઇલો એક કમિશનરથી બીજા કમિશનર થઈને CEC સુધી પહોંચે છે, જ્યારે તાકીદના કેસોમાં ઇલેક્ટ્રોનિકલી મંજૂરી મેળવીને પાછળથી તેની ફોર્મલ નોંધણી કરવામાં આવે છે.
આ સાથે જ ઇલેક્શન કમિશને સ્પષ્ટતા કરી છે કે મતદાર યાદીમાં નામ જોડવા માટે વપરાતા ફોર્મ 6માં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, કારણ કે આવા ફોર્મમાં માત્ર સેન્ટ્રલ ગવર્નમેન્ટ જ સુધારો કરી શકે છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે રજૂ કરાયેલું ડિક્લેરેશન એ એક અલગ દસ્તાવેજ છે જેનો હેતુ અરજદારોના ડેટાને જૂની મતદાર યાદી સાથે મેપ કરવાનો છે. કમિશને એમ પણ કહ્યું કે વિવાદમાં આવેલો 28 જુલાઈનો વર્ક-એલોકેશન ઓર્ડર એક ડેપ્યુટેશન પર રહેલા એડિશનલ સેક્રેટરી દ્વારા જારી થયો હતો, જેનો અમલ બે કમિશનરોના 30 જુલાઈના સંયુક્ત નિર્દેશ બાદ અટકાવી દેવાયો હતો.
