રાધનપુર-કંડલા નેશનલ હાઈવે પર અકસ્માતોની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અને વધુ એક નિર્દોષ વ્યક્તિએ રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા પાટિયા પાસે આવેલા પુલ પર એક પૂરઝડપે દોડતી ફોર્ચ્યુનર કારના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને મોટરસાઇકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કમાલપુર ગામના રહેવાસી યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેના કારણે આખા પંથકમાં ભારે હલચલ મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, કમાલપુર ગામના વતની એવા ૩૭ વર્ષીય ભરવાડ લાલાભાઈ મોતીભાઈ રાધનપુર ખાતે પોતાની રોજીરોટી માટે મજૂરી કામ કરવા ગયા હતા. કામ પૂરું કરીને તેઓ પોતાની મોટરસાઇકલ પર બેસીને પોતાના વતન કમાલપુર ગામે પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન આદુરૂબી દુર્ઘટના ઘટી હતી. કલ્યાણપુરા પાટિયા નજીકના પુલ પરથી પસાર થતી વખતે પાછળથી પૂરઝડપે આવેલી ફોર્ચ્યુનર કારે તેમને ટક્કર મારી હતી, જેથી લાલાભાઈ બાઈક પરથી ફંગોળાઈને સીધા રોડ પર પટકાયા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.
ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો અને સગાંસંબંધીઓ તાત્કાલિક રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં પરિવારના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. હોસ્પિટલ ખાતે લાલાભાઈના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અકસ્માત મામલે મૃતકના ભાઈ દ્વારા ફોર્ચ્યુનર કારના અવિચારી ચાલક વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને કાર ચાલકને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે.
