બનાવની વિગતો મુજબ, ડીસા શહેરના પોશ ગણાતા ઇસ્કોન વિસ્તારમાં આવેલા ડૉક્ટર હાઉસ ખાતે ડૉ. ભરત ચૌધરીનું શ્રીજી પ્રાઈમ ઇમેજિંગ સેન્ટર આવેલું છે. આજે અચાનક આ ઇમેજિંગ સેન્ટરમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવાની શરૂઆત થઈ હતી. અચાનક ધુમાડો નીકળતો જોઈને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે આખા વિસ્તારમાં થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સુરક્ષા અને બચાવ કામગીરીના ભાગરૂપે 108 એમ્બ્યુલન્સ અને 112 ઇમરજન્સી રિસ્પોન્સ સેવામાં પણ જાણ કરીને ત્વરિત મદદ માંગવામાં આવી હતી. જોકે, આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી છે કે કેમ કે પછી કોઈ જાનહાનિ થઈ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી.
પ્રાથમિક તબક્કે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે હજુ સુધી અસ્પષ્ટ છે અને ઇમેજિંગ સેન્ટરને કેટલું આર્થિક નુકસાન થયું છે તેની પણ કોઈ અધિકૃત માહિતી પ્રાપ્ત થઈ નથી. આગ પર પૂરેપૂરો કાબૂ મેળવાયો છે કે કેમ અને અંદરની સ્થિતિ કેવી છે તે વિશે હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. સંબંધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ જ આગના અસલ કારણો અને કુલ નુકસાનનો સાચો આંકડો સામે આવી શકશે.
