આગામી 30 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભીલડીની મુલાકાતે આવવાના છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વીઆઈપી મુલાકાતને ધ્યાનમાં રાખીને ભીલડીના સર્વિસ રોડ અને હાઈવે પર વર્ષોથી જમા થયેલા કચરાના વિશાળ ઢગલાઓને દૂર કરવા માટે ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ અહીં વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો.
હાઈવે પર ઠેર-ઠેર કચરાના ગંજ અને ગટરનાં ગંદાં પાણી ભરાયેલા રહેવાના કારણે સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને રોજબરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ ગંભીર સમસ્યા અંગે અહેવાલો પ્રસારિત થયા બાદ આખરે તંત્ર જાગ્યું હતું અને તાલુકા વિકાસ અધિકારીની કડક સૂચનાથી આ સફાઈ કામગીરીને અંજામ આપવામાં આવ્યો છે.
જોકે, માત્ર કચરો સાફ કરવાથી સમસ્યા હલ નથી થઈ, કારણ કે સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ પણ ભીલડી સર્વિસ રોડ પર ડ્રેનેજનું ગંદું પાણી સીધું જાહેર માર્ગો પર વહેવાની સમસ્યા હજુ પણ યથાવત્ છે. આ ઉપરાંત, ગટરના ચેમ્બરો પર ખુલ્લા અને તૂટેલાં ઢાંકણાં હોવાને કારણે અહીંથી પસાર થતા નાગરિકો માટે ગંભીર અકસ્માત સર્જાવાનો મોટો ભય પણ સેવાઈ રહ્યો છે, જેથી કાયમી ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.
