થરાદ વિસ્તારમાંથી પસાર થતા મહત્વના ભાભર-રાધનપુર અને ભાભર-સુઈગામ નેશનલ હાઈવેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રોડનું ગત વર્ષે જ નવીનીકરણ અને રિસરફેસિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા જ મહિનાઓમાં રોડ ઠેર-ઠેર બેસી જતાં અને ખખડધજ બની જતાં માર્ગની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ભાભર-સુઈગામ હાઈવે પરથી ભારત-પાકિસ્તાન સરહદના નડાબેટ બીએસએફ કેમ્પની ગાડીઓ અવારનવાર પસાર થતી હોય છે, છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને છાવરવા માટે કાયમી ઉકેલ લાવવાને બદલે માત્ર થીગડાં મારીને કામ ચલાવવાની કવાયત શરૂ કરવામાં આવતા લોકોમાં કચવાટ ફેલાયો છે.
ભાભર તાલુકાની હદમાં ગોસણથી ભાભર સુધી તેમજ ભાભરથી જોરાવરગઢ સુધીના આ નેશનલ હાઈવે પર નાળાની પ્રોટેક્શન દિવાલો અને નાળા પરનો રોડ બેસી જવાની સમસ્યા અગાઉ પણ સામે આવી હતી. આ મામલે સ્થાનિક લોકો દ્વારા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી સવરૂપજી ઠાકોર સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી હતી. મંત્રી દ્વારા ઉચ્ચકક્ષાએ આ બાબતે જાણ કરવા છતાં ગ્રાઉન્ડ શૂટ પર પરિસ્થિતિ જસ કી તસ રહી છે અને અગાઉ મારેલા થીગડાં નીકળી જતાં ફરીથી એ જ સ્થળોએ થીગડાં મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે સરકારી નાણાંના વેડફાટ તરફ ઇશારો કરે છે.
કરોડો રૂપિયાના વિકાસ કાર્યોમાં ચાલતી આ લોલંલોલથી નારાજ થયેલા સ્થાનિક લોકો હવે આક્રમક મૂડમાં છે. લોકોની માંગ છે કે નેશનલ હાઈવેના આ નબળા કામની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, જેથી જવાબદાર કોન્ટ્રાક્ટર અને શંકાસ્પદ ભૂમિકા ધરાવતા અધિકારીઓ સામે કડક પગલાં લઈ શકાય. વારંવાર થીગડાં મારીને ભ્રષ્ટાચાર છુપાવવાની આ રીતરસમ બંધ કરીને તંત્ર દ્વારા રોડની ખામીઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી પ્રબળ લોકલાગણી ફેલાઈ છે.
