JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

અમદાવાદ-રાજકોટ હાઈવે પર શિક્ષિતો જ બન્યા જોખમી, રોંગ સાઈડ ડ્રાઇવિંગથી અકસ્માતનો ભય વધ્યો

Oct 26, 2026 | 23:30 | By JAMNAGAR MIRROR
અમદાવાદ-રાજકોટ હાઈવે પર શિક્ષિતો જ બન્યા જોખમી, રોંગ સાઈડ ડ્રાઇવિંગથી અકસ્માતનો ભય વધ્યો
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચાંગોદર અને બાવળા જેવા વ્યસ્ત વિસ્તારોમાં ભણેલા-ગણેલા લોકો જ માત્ર 100 મીટર બચાવવા માટે રોંગ સાઈડ પર ગાડીઓ દોડાવી રહ્યા છે. ટ્રાફિક નિયમોની ધજાગી ઉડાડતા આ બેફામ ડ્રાઇવિંગના કારણે રોજબરોજ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે છતાં પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી રોજબરોજ લાખો વાહનચાલકો અવરજવર કરે છે, પરંતુ અહીં ચાંગોદર, મોરૈયા, મટોડા SEZ અને બાવળા જેવા અતિ વ્યસ્ત ઔદ્યોગિક વિસ્તારોમાંથી એક અત્યંત શરમજનક અને ચિંતાજનક તસવીર સામે આવી રહી છે. અહી મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા અને ભણેલા-ગણેલા શિક્ષિત વર્ગના લોકો જ ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને ખુલ્લેઆમ રોંગ સાઈડ પર વાહનો ચલાવી રહ્યા છે. માત્ર 100 મીટરનું ટૂંકું અંતર કાપવા કે થોડો સમય બચાવવાની ઘેલછામાં આ લોકો પોતાના અને બીજાના મૂલ્યવાન જીવનને ગંભીર જોખમમાં મૂકી રહ્યા છે, જેના કારણે સાચી સાઈડ પર નિયમ મુજબ વાહન ચલાવતા નિર્દોષ ચાલકોને સતત અકસ્માતનો ડર સતાવી રહ્યો છે.

આ હાઈવે પર માત્ર બાઈક જ નહીં પરંતુ કાર અને પુરપાટ ઝડપે દોડતી લોડિંગ રિક્ષાઓ પણ રોંગ સાઈડ પર ફૂલ સ્પીડમાં બેફામ દોડતી નજરે પડે છે. ખાસ કરીને રોજ સાંજના સમયે તો રોંગ સાઈડ પર વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે, જેના લીધે અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમ છતાં સ્થાનિક પોલીસ કે સંબંધિત પ્રશાસન દ્વારા આ મામલે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે તંત્રની આ નિષ્ક્રિયતા સામે સામાન્ય જનતામાં ભારે રોષ ફેલાયેલો છે.

હવે નાગરિકો ખુલ્લેઆમ સવાલો પૂછી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી જીવલેણ દુર્ઘટના કે ગંભીર જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું છે? હાઈવે પર બેફામ બનતા આ રોંગ સાઈડના વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવે અને ભારે દંડ સાથે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.

LATEST ARTICLES