JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકાવવા સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીની ઈરાન સાથે હાઈ-લેવલ બેઠક

Oct 27, 2026 | 00:10 | By JAMNAGAR MIRROR
પશ્ચિમ એશિયામાં યુદ્ધ અટકાવવા સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીની ઈરાન સાથે હાઈ-લેવલ બેઠક
સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કીના ઉચ્ચ અધિકારીઓએ તેહરાનમાં ઈરાન સાથે મહત્ત્વની ચર્ચા કરી છે. મક્કા ડિફેન્સ એલાયન્સની રચના બાદ આ દેશોની ઈરાનની મુલાકાત પહેલી જ વાર થઈ છે, જેનો મુખ્ય હેતુ પ્રદેશમાં શાંતિ સ્થાપવાનો અને યુદ્ધ અટકાવવાનો છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ફરી ભડકતું અટકાવવા અને તણાવ ઓછો કરવા માટે સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે ઈરાનના તેહરાનમાં મહત્વની બેઠક યોજી હતી. સાઉદી વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, આ ત્રણેય દેશોના અધિકારીઓ કટોકટીનો ઉકેલ લાવવા અને બંને પક્ષો વચ્ચે શાંતિ સ્થાપવાના પ્રયાસરૂપે ઈરાન પહોંચ્યા હતા. બીજી બાજુ, સાઉદી અરેબિયા પર યેમેનના હુતી વિદ્રોહીઓ દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, જેના જવાબમાં ઇજિપ્તે પણ સાઉદીને સૈન્ય સમર્થન આપવાની મંજૂરી આપી દીધી છે.

આ મહત્ત્વની બેઠકમાં સાઉદી અરેબિયાનું પ્રતિનિધિત્વ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નાના ભાઈ અને ડિફેન્સ મિનિસ્ટર પ્રિન્સ ખાલીદ બિન સલમાને કર્યું હતું. જ્યારે પાકિસ્તાન તરફથી આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસિમ મુનીર અને તુર્કી તરફથી ઇન્ટેલિજન્સ ચીફ ઇબ્રાહિમ કાલિન આ મિટિંગમાં સામેલ થયા હતા. ઈરાની સરકારી મીડિયા દ્વારા જારી કરવામાં આવેલી તસવીરોમાં ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયાન, ફોરેન મિનિસ્ટર અબ્બાસ અરાકચી અને સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસિન રેઝાઈ પણ આ બેઠકમાં હાજરી આપતા નજરે પડ્યા હતા.

ઓગસ્ટ મહિનામાં પવિત્ર શહેર મક્કામાં ડિફેન્સ એલાયન્સ બન્યા પછી આ ત્રણેય દેશોની તેહરાનની આ પહેલી સંયુક્ત મુલાકાત છે. બેઠકના અંતે ચારેય દેશોએ શાંતિ અને સુરક્ષાના ક્ષેત્રમાં પરસ્પર સહયોગ વધારવા માટે આગામી સમયમાં પણ વાતચીત ચાલુ રાખવા પર સહમતિ દર્શાવી છે. અગાઉ સાઉદી અરેબિયાને યેમેનના હુતીઓ દ્વારા સતત નિશાન બનાવાયાના અહેવાલો આવ્યા હતા, જેમાં રિયાધના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા મિસાઈલ હુમલામાં 13 લોકોના મોત પણ થયા હતા, જેને કારણે આ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવી અનિવાર્ય બની હતી.

LATEST ARTICLES