હેગ ખાતે યોજાયેલા India-Netherlands Business Forumમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સોમવારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે બિઝનેસ પરના રેગ્યુલેટરી બોજને ઘટાડવા બાબતે યુરોપિયન યુનિયને ભારત પાસેથી શીખવાની જરૂર છે. ભારતે તાજેતરના સમયમાં બિઝનેસ જગતને રાહત આપવા માટે મોટા પાયે ડિરેગ્યુલેશન કર્યું છે અને નિયમો સરળ બનાવ્યા છે. ગોયલે એમ પણ ઉમેર્યું હતું કે યુરોપમાં વધી રહેલા નિયમોના બોજને કારણે તેઓ ત્યાંના બિઝનેસમેનોમાં ખૂબ લોકપ્રિય બની ગયા છે, કારણ કે તેઓ અવારનવાર આ મુદ્દો જાહેરમાં ઉઠાવતા રહ્યા છે.
આ ફોરમમાં ડચ મંત્રી Sjoerd Sjoerdsma પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે EU ના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ એટલે કે CBAM અંગે મોટી વાત કહી હતી. તેમણે ક્લાયમેટ અને પ્રોડક્ટની ગુણવત્તા સાથે જોડાયેલા નિયમોને યુરોપિયન ગ્રાહકો માટે અત્યંત મહત્વના ગણાવ્યા હતા અને તેમાં કોઈ ફેરફાર કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે, તેમણે એ વાત સ્વીકારી હતી કે જે નિયમો બિનજરૂરી છે અને વ્યાપારમાં અડચણરૂપ બને છે, તેવા નિયમોની ચોક્કસપણે સમીક્ષા કરવી જોઈએ.
આ બેઠકમાં માત્ર યુરોપિયન નિયમો જ નહીં, પરંતુ ભારત અને US વચ્ચે ચાલી રહેલા ટ્રેડ ડીલ વિશે પણ મહત્વની ચર્ચા થઈ હતી. પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત અને US વચ્ચેના ટ્રેડ ડીલની મોટાભાગની વાતચીત પૂરી થઈ ગઈ છે અને હવે તે ફાઈન-ટ્યુનિંગ સ્ટેજ પર પહોંચી ગયું છે. આગામી સમયમાં આ કરારને લઈને વધુ સત્તાવાર જાહેરાતો થઈ શકે છે, જે વૈશ્વિક વેપારની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
