અમેરિકાની જાણીતી ટેલિકોમ કંપની AT&Tના લાખો વર્તમાન અને ભૂતપૂર્વ ગ્રાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024માં થયેલા બે મોટા ડેટા બ્રીચ કેસને લઈને કંપની સામે ક્લાસ-એક્શન મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત હવે 177 મિલિયન ડૉલરના ભંડોળ સાથે સેટલમેન્ટને મંજૂરી મળી ગઈ છે. ટેક્સાસની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ સેટલમેન્ટને ફાઇનલ મંજૂરી આપી દીધી છે. કંપની પર આરોપ હતો કે તેણે ગ્રાહકોની ખાનગી માહિતી સુરક્ષિત રાખવા માટે પૂરતા સાયબર સિક્યોરિટી પગલાં નહોતા લીધા. જોકે, કંપનીએ કોઈ પણ પ્રકારની ભૂલ સ્વીકાર્યા વગર આ મામલો થાળે પાડવા માટે આ રકમ ચૂકવવાનું કબૂલ્યું છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત માર્ચ અને જુલાઈ 2024માં બનેલી ડેટા લીકની ઘટનાઓથી થઈ હતી, જેના કારણે 76 લાખથી વધુ વર્તમાન ગ્રાહકો અને 65.4 મિલિયન જેટલા ભૂતપૂર્વ ગ્રાહકોની સંવેદનશીલ માહિતી જોખમમાં મુકાઈ હતી. લીક થયેલી વિગતોમાં સોશિયલ સિક્યોરિટી નંબર્સ, ફોન નંબર્સ અને એડ્રેસ જેવી ખાનગી માહિતી સામેલ હતી. નિયમો મુજબ જે ગ્રાહકોએ ડિસેમ્બર 2025 સુધીમાં પોતાના ક્લેમ ફોર્મ સબમિટ કર્યા છે તેઓ જ આ સેટલમેન્ટ માટે લાયક ગણાયા છે. જોકે, દરેક ગ્રાહકને સીધા 5000 ડૉલર નહીં મળે, કારણ કે આ રકમ મેળવવા માટે માર્ચ 2024ના ડેટા બ્રીચને કારણે થયેલા નાણાકીય નુકસાનના પુરાવા રજૂ કરવા ફરજિયાત છે.
ગ્રાહકોને મળનારા આ પેમેન્ટ્સની પ્રક્રિયા ડિસેમ્બર 2026થી શરૂ થવાની સંભાવના છે, જ્યારે મોટાભાગના લોકોને વર્ષ 2027ની શરૂઆત સુધીમાં નાણાં મળી શકે છે. અદાલતી કાર્યવાહી અને અપીલના સમયગાળાને ધ્યાનમાં રાખીને સેટલમેન્ટ એડમિનિસ્ટ્રેટર દ્વારા આ રકમ પાસ કરાયેલા ક્લેમ્સના આધારે સીધી ઇલેક્ટ્રોનિકલી અથવા પેપર ચેક દ્વારા મોકલવામાં આવશે. પ્રભાવિત યૂઝર્સને પેમેન્ટ શિડ્યુલ અને સ્ટેટસ અંગેની તમામ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવા સલાહ આપવામાં આવી છે.
