આ ઘટનાની શરૂઆત 2020માં થઈ હતી જ્યારે એક કપલે 1.275 મિલિયન ડોલરમાં એક લક્ઝરી ઘર ખરીદવાનો સોદો કર્યો હતો. આ ખરીદ કરારમાં નિયમ મુજબ પ્રોપર્ટીનું ઇન્સ્પેક્શન કરાવવાની શરત સામેલ હતી, જેથી સોદો પૂરો કરતા પહેલા ઘરની સ્થિતિ ચકાસી શકાય. પ્રોપર્ટીના પ્રોફેશનલ ઇન્સ્પેક્શન દરમિયાન નિષ્ણાતોને ઘરમાં ઘણા ગંભીર પ્રશ્નો અને ખામીઓ જોવા મળી હતી. આ રિપોર્ટના આધારે ખરીદદાર કપલે રિપેરિંગનો ખર્ચ કાઢવા માટે મૂળ કિંમતમાં 150,000 ડોલર ઘટાડો કરવાની માંગણી કરી હતી, પરંતુ સેલર્સે ભાવ ઘટાડવાની સાફ ના પાડી દીધી અને વાતચીત અટકી પડી હતી.
સેલર્સ સાથેની વાતચીત નિષ્ફળ ગયા બાદ અને કોઈ આર્થિક વળતર કે સુધારા વિના મૂળ 1.275 મિલિયન ડોલર ચૂકવવાનો ઇનકાર કરતા, સેલર્સે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો કે આ કપલે કોન્ટ્રાક્ટ તોડ્યો છે. ટ્રાયલ કોર્ટે શરૂઆતમાં સેલર્સની તરફેણમાં ચુકાદો આપીને ખરીદદારોને દોષી ઠેરવ્યા હતા અને તેમને પ્રોપર્ટીના રિસેલ વેલ્યુના તફાવત, હોલ્ડિંગ કોસ્ટ અને વ્યાજ સહિત કુલ 1.55 મિલિયન ડોલરના ડેમેજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ લાંબી કાનૂની લડાઈ 6 વર્ષ સુધી ચાલી હતી અને 23 ઓક્ટોબર, 2026ના રોજ પ્રકાશિત થયેલા ચુકાદામાં અપિલ્સ કોર્ટે નીચલી કોર્ટના આ નિર્ણયને ઉલટાવી નાખ્યો છે.
મિશિગન કોર્ટ ઓફ અપિલ્સના 3 જજની પેનલે સ્પષ્ટ કર્યું કે ઇન્સ્પેક્શનના આધારે કિંમત ઘટાડવાની માંગ કરવી એટલે કોન્ટ્રાક્ટ ભંગ કર્યો તેમ નથી થતું. કપલે કરારની શરતોની અંદર રહીને જ પ્રોપર્ટીની ખામીઓને કારણે ફેરફાર માંગ્યો હતો, તેથી ટ્રાયલ કોર્ટના જજ આ શરતો સમજવામાં થાપ ખાઈ ગયા હતા. આ ચુકાદા દ્વારા કોર્ટે રિયલ એસ્ટેટ માર્કેટના ઇન્સ્પેક્શન ક્લોઝ હેઠળ ખરીદદારોના કાનૂની અધિકારોને સુરક્ષિત કર્યા છે અને સાબિત કર્યું છે કે ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે પ્રમાણિકપણે ભાવ કે રિપેરિંગ માટે વાટાઘાટો કરનાર ખરીદદારો પર આર્થિક દંડ નાખી શકાતો નથી.
