એલોન મસ્કની અગ્રણી સ્પેસએક્સ કંપનીએ AI હાર્ડવેર માટે એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ સાથે 40 અબજ ડૉલરની મોટી ફાઇનાન્સિંગ લીઝ ડીલ ફાઇનલ કરી દીધી છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ સમજૂતી હેઠળ એનવિડિયાની નેક્સ્ટ જનરેશન વેરા રૂબિન ચિપ્સ અને સંબંધિત હાર્ડવેર મેળવવામાં આવશે. આ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પૃથ્વી પર સ્પેસએક્સના કમ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે થશે, જેમાં ખાસ કરીને ગ્રૉક AI સર્વિસીઝ અને ક્લાઉડ કસ્ટમર્સની ક્ષમતા વધારવાનો મુખ્ય હેતુ રહેલો છે. આ ટ્રાન્ઝેક્શન વર્ષ 2026ના અંત પહેલા પૂરું થવાની અપેક્ષા છે, જોકે તે કેટલાક નિયમો અને શતોને આધીન રહેશે.
આ સમગ્ર વ્યવસ્થા અંતર્ગત એપોલો-મેનેજ્ડ એન્ટિટી દ્વારા ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ એટલે કે GPUs અને સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદવામાં આવશે અને ત્યારબાદ સ્પેસએક્સને લીઝ પર આપવામાં આવશે. આ તમામ સાધનોની ડિલિવરી અને લીઝની શરૂઆત વર્ષ 2027ના પહેલા ક્વાર્ટરમાં એટલે કે શરૂઆતના છ મહિનામાં થવાની શક્યતા છે, જે અંતર્ગત દરેક સાધનની લીઝ ડિલિવરી તારીખથી પાંચ વર્ષ કરતાં થોડી વધુ મુદત માટે માન્ય રહેશે. આ ડીલ પાછળ બ્લેકરોક અને ગોલ્ડમેન સૅક્સ જેવી દિગ્ગજ ફાઇનાન્શિયલ ફર્મ્સે મોટું ફંડિંગ કર્યું છે, જ્યારે ગોલ્ડમેન સૅક્સે સોલ સ્ટ્રક્ચરિંગ એજન્ટ તરીકે આખી ફાઇનાન્સિયલ સિસ્ટમ ગોઠવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત કેકેઆર સાથે જોડાયેલી કેપિટલ અકાઉન્ટ્સે પણ એન્કર કમિટમેન્ટ આપ્યા છે.
આ નવા હાર્ડવેરની મદદથી બિઝનેસ અને કન્ઝ્યુમર્સ માટે ગ્રૉક સેવાઓને વધુ પાવરફુલ બનાવી શકાશે તેમજ સ્પેસએક્સ પાસેથી કમ્યુટિંગ કેપેસિટી રેન્ટ પર લેતા વર્તમાન અને ભવિષ્યના કસ્ટમર્સને પણ તેનો મોટો ફાયદો મળશે. સ્પેસએક્સનું મુખ્ય લક્ષ્ય દુનિયામાં સૌથી વિશાળ કમ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે અને આ ડીલથી કંપનીના ગ્રોથ પ્લાન માટે ફંડિંગના સ્ત્રોતો પણ વૈવિધ્યસભર બનશે. સ્પેસએક્સના સીએફઓ બ્રેટ જ્હોનસેનના જણાવ્યા મુજબ કંપનીનું ચોથા ક્વાર્ટરનું કેપિટલ એક્સપેન્ડિચર 35 અબજ ડૉલરથી 40 અબજ ડૉલર વચ્ચે રહેવાનું અનુમાન છે, જ્યારે આ નવું હાર્ડવેર લીઝ આગામી વર્ષથી સક્રિય થશે.
