અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા જગતપુર સ્થિત સેરેનિટી સ્પેસ સોસાયટીમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોતાની સગીર વયની દીકરીને હેરાન-પરેશાન કરતા કિશોરના માતા-પિતાને સમજાવવા અને ફરિયાદ કરવા ગયેલા દંપતી પર સામા પક્ષે પૂર્વઆયોજિત કાવતરું રચીને જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખી આંધળા કરવાનો પ્રયાસ કરી તેના પતિ પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે જાહેરમાં લોહિયાળ મારામારી સર્જાતા સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
ચાંદખેડા જગતપુર વિસ્તારમાં રહેતા મીરાબેન સોની અને તેમના પતિ મિથુનભાઈ સોનીની સગીર પુત્રીને સોસાયટી નજીક રહેતો એક કિશોર અવારનવાર હેરાન કરતો હતો. આ બાબતે જ્યારે મીરાબેન કિશોરના માતા-પિતાને ફરિયાદ કરવા ગયા ત્યારે તેઓ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે ઉશ્કેરાઈ ગયા હતા અને દંપતીને ધમકીઓ આપીને જગતપુર સેરેનિટી સ્પેસ સોસાયટી ખાતે મળવા બોલાવ્યા હતા. મિથુનભાઈ અને મીરાબેન જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે કિશોરના પિતા ઋષભ ચૌહાણ અને તેની પત્ની બિંદિયા ચૌહાણ અગાઉથી જ હથિયારો અને મરચાની ભૂકી લઈને તૈયાર જ ઊભા હતા અને બોલાચાલી દરમિયાન બિંદિયાએ મીરાબેનની આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી જ્યારે ઋષભે ધારદાર છરીથી મિથુનભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
આ લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મિથુન સોની અને આંખોમાં બળતરાથી પીડાતા મીરાબેનને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેના પુરાવા ચાંદખેડા પોલીસે મેળવી લીધા છે. પોલીસે આ મામલે હુમલાખોર ઋષભ ચૌહાણ અને તેની પત્ની બિંદિયા વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને મારામારી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
