JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

ટાટા ગ્રુપમાં મોટો વિવાદ, નોએલ ટાટાએ એન. ચંદ્રશેખરનની ફરી નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો

Oct 26, 2026 | 23:21 | By JAMNAGAR MIRROR
ટાટા ગ્રુપમાં મોટો વિવાદ, નોએલ ટાટાએ એન. ચંદ્રશેખરનની ફરી નિમણૂક સામે વાંધો ઉઠાવ્યો
ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ૧૭ સપ્ટેમ્બરની બોર્ડ મીટિંગમાં એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાના પ્રસ્તાવને ગેરકાયદે ગણાવ્યો છે. તેમણે કંપની સેક્રેટરીને પત્ર લખીને આ પ્રસ્તાવ એજન્ડામાં ન હોવાનો દાવો કર્યો છે અને મીટિંગનો અનએડિટેડ વિડિયો માંગ્યો છે.

મુંબઈ સ્થિત દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસ ટાટા ગ્રુપની અંદર ખાખરા ભંગાયા હોય તેવા અહેવાલ સામે આવ્યા છે, જેમાં ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ સોમવારે ટાટા સન્સના ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની પુનઃ નિમણૂકના પ્રસ્તાવ સામે મોરચો ખોલ્યો છે. ૧૭ સપ્ટેમ્બરના રોજ મળેલી હોલ્ડિંગ કંપનીની બોર્ડ મીટિંગમાં પાસ થયેલા આ પ્રસ્તાવને લઈને નોએલ ટાટાએ સીધો વિવાદ ઊભો કર્યો છે. નોએલ ટાટાએ ટાટા સન્સના કંપની સેક્રેટરી સુપ્રકાશ મુખોપાધ્યાયને પત્ર લખીને ફેબ્રુઆરી 2027 પછી પણ ચંદ્રશેખરનની મુદત લંબાવવાના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા છે, જેના કારણે સદી જૂના આ ગ્રુપના ટોચના વહીવટમાં મતભેદો ખુલીને બહાર આવી ગયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નોએલ ટાટાએ પાંચ વર્ષ માટેની આ પુનઃ નિમણૂકને રદબાતલ ગણાવી છે અને દલીલ કરી છે કે આ નિર્ણય યોગ્ય નોટિસ કે એજન્ડા વગર લેવામાં આવ્યો હતો. મીટિંગના એજન્ડામાં આ મુદ્દો સામેલ જ નહોતો અને વાત માત્ર નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીના ડ્રીફિંગ પૂરતી જ મર્યાદિત હતી, તેમ છતાં આઉટ ઓફ ટર્ન આ નિર્ણય લેવાયો હોવાનો દાવો થયો છે. ટાટા સન્સની બે-તૃતીયાંશ માલિકી ધરાવતા ટાટા ટ્રસ્ટ્સના વડા નોએલ ટાટાએ જ્યારે વોટિંગ થયું ત્યારે જ આ નિમણૂકનો વિરોધ કર્યો હતો. જો કે, ટાટા ટ્રસ્ટ્સના અન્ય ડિરેક્ટર વેણુ શ્રીનિવાસન તેમજ અનિતા જ્યોર્જ, હરીશ મનવાણી અને સૌરભ અગ્રવાલ જેવા અન્ય ડિરેક્ટરોએ બહુમતીથી ચંદ્રશેખરનની તરફેણમાં વોટ આપ્યો હતો.

નોએલ ટાટાએ પોતાના પત્રમાં ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિએશનનો હવાલો આપીને કહ્યું છે કે કોઈપણ પ્રસ્તાવ પાસ કરવા માટે ટાટા ટ્રસ્ટ્સના નોમિની ડિરેક્ટર્સની સહમતિ હોવી જરૂરી છે, જે આ કેસમાં નહોતી થઈ. આ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રહી છે કે નહીં તે સ્પષ્ટ કરવા માટે તેમણે બોર્ડ મીટિંગનું કોઈ પણ કાપકૂપ વગરનું અનએડિટેડ વિડિયો રેકોર્ડિંગ પણ માંગ્યું છે. આ મા અંગે અત્યાર સુધી ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ્સ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ વિવાદ આગામી દિવસોમાં કોર્પોરેટ જગતમાં મોટો વળાંક લાવી શકે છે.

LATEST ARTICLES