JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

મતદાર યાદી સુધારણા વિવાદમાં ચૂંટણી પંચનો ખુલાસો, ફોર્મ 6 માં કોઈ ફેરફાર નથી થયો

Oct 26, 2026 | 23:05 | By JAMNAGAR MIRROR
મતદાર યાદી સુધારણા વિવાદમાં ચૂંટણી પંચનો ખુલાસો, ફોર્મ 6 માં કોઈ ફેરફાર નથી થયો
મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એટલે કે SIR ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કર્યું છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે અને ફોર્મ 6 માં કોઈ ફેરફાર કરાયો નથી. આ મામલે આગામી 27 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને લઈને છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચ (ECI) દ્વારા સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે. પંચે અદાલત સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે SIR સાથે જોડાયેલા તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે અને ફોર્મ 6 માં કોઈ પણ પ્રકારનો સુધારો કે ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વિવાદિત મામલે કાલે એટલે કે 27 ઓક્ટોબરે સર્વોચ્ચ અદાલતમાં રાહુલ ગાંધી સહિતના 13 વિપક્ષી નેતાઓની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે, જેને લઈને રાજકીય ગલિયારોમાં પણ ભારે ચર્ચા જાગી છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીની સંપૂર્ણ સંમતિ અને એકમતીથી જ SIR સંબંધી તમામ આદેશો જારી કરવામાં આવ્યા હતા અને આ દસ્તાવેજ પર ત્રણેય અધિકારીઓની સહી છે. પંચે અરજદારોના એ દાવાને ફગાવી દીધો છે કે આ નિર્ણયો સભ્યોની સંમતિ વિના લેવાયા હતા, અને સાથે જ સ્પષ્ટ કર્યું કે નિયમો અનુસાર ફોર્મ 6 માં ફેરફાર કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. અગાઉ ગત મહિને એક અહેવાલમાં દાવો કરાયો હતો કે બે ચૂંટણી આયુક્તોએ આ ફોર્મમાં કરાયેલા ફેરફારો સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના આધારે જ કોર્ટમાં અરજી થઈ હતી.

આ મામલે પંચે સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે જે નાગરિકોના નામ જૂની મતદાર યાદી સાથે સીધા નહીં જોડાય, તેમના જરૂરી દસ્તાવેજો BLO દ્વારા ઘરે-ઘરે જઈને એકત્રિત કરાશે અને આવા મતદારોને સામાન્ય રીતે રૂબરૂ કચેરીમાં બોલાવવામાં આવશે નહીં. સક્ષમ ચૂંટણી અધિકારી (ERO) ના આદેશ વિના યાદીમાંથી નામ ઉમેરવા કે દૂર કરવાની પ્રક્રિયા નહીં થાય, તેમજ ECINet પ્લેટફોર્મની યોગ્ય કામગીરી તપાસવા માટે IIT મદ્રાસ અને IISc બેંગલુરુના નિષ્ણાતોની એક ખાસ સમિતિ પણ બનાવવામાં આવી છે. પંચે જણાવ્યું છે કે તહેવારોની રજાઓને કારણે હાલમાં ટૂંકો જવાબ રજૂ કરાયો છે અને જરૂર પડ્યે દરેક આરોપનો વિગતવાર જવાબ રજૂ કરાશે.

LATEST ARTICLES