ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની રાજકીય પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાની આકરી ચકાસણી કરતી સંસદીય ચૂંટણી માટે આજે મંગળવારે મતદાન યોજાઈ રહ્યું છે. આ ચૂંટણી એ વાતનો સ્પષ્ટ ફેંસલો કરશે કે ગત 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર થયેલા હમાસના હુમલા અને ત્યારબાદ ઇઝરાયલી સેના દ્વારા લેવાયેલા જવાબી પગલાંઓને દેશની જનતાએ કયા સ્વરૂપમાં સ્વીકાર્યા છે. છેલ્લા 3 વર્ષના આ તણાવપૂર્ણ સમયગાળામાં ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થપાઈ નથી અને લેબનિનના દક્ષિણ ભાગમાં પણ ઇઝરાયલી સેના સતત સક્રિય છે, ત્યારે આ મતદાન અત્યંત મહત્વનું બની ગયું છે. ખાસ વાત એ છે કે આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલામાં સામેલ કોઈપણ રાજકીય પક્ષ સ્વતંત્ર પેલેસ્ટાઇન રાષ્ટ્રના સમર્થનમાં નથી.
આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં બેન્જમિન નેતન્યાહૂના દક્ષિણપંથી ગઠબંધનને પૂર્વ સેના પ્રમુખ ગાદી એસેનકોટના નેતૃત્વવાળા ગઠબંધન અને પૂર્વ વડા પ્રધાન નાફ્તાલી બેનેટ તરફથી ભારે પડકાર મળી રહ્યો છે. જોકે, ઓપિનિયન પોલના પ્રાથમિક અહેવાલો મુજબ કોઈપણ એક ગઠબંધનને સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે. મંગળવારે યોજા રહેલા આ મતદાનમાં દેશભરના કુલ 73 લાખ નોંધાયેલા મતદારો 120 સભ્યો ધરાવતી સંસદ એટલે કે નીસેટ (Knesset) માટે પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરી રહ્યા છે. ઇઝરાયલી ચૂંટણી પ્રણાલી મુજબ અહીં મતદારો સીધા કોઈ વ્યક્તિગત ઉમેદવારને મત આપતા નથી, પરંતુ ચોક્કસ રાજકીય પક્ષ અથવા પક્ષોના ગઠબંધનને મત આપે છે અને સંસદમાં પ્રવેશ માટે કોઈપણ પક્ષ કે ગઠબંધનને કુલ મતદારોના ઓછામાં ઓછા 3.25 ટકા સમર્થન મળવું અનિવાર્ય છે.
દક્ષિણપંથી લિકુડ પાર્ટીના સર્વેસર્વા એવા બેન્જમિન નેતન્યાહૂ જુદા-જુદા કાર્યકાળો દરમિયાન અત્યાર સુધી આશરે 19 વર્ષથી ઇઝરાયલના વડા પ્રધાન પદે રહ્યા છે અને તેઓ ઇઝરાયલના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સુધી શાસન કરનાર વડા પ્રધાન છે. આ ચૂંટણીમાં તેઓ ગત 3 વર્ષની સુરક્ષા નીતિઓ અને કાર્યોના આધારે જનતા પાસે સમર્થન માંગી રહ્યા છે, જ્યારે મુખ્ય પડકાર તરીકે ઉભરેલા એસેનકોટ યુદ્ધ કેબિનેટના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. આ ચૂંટણી માત્ર સરકાર બદલવાની નથી પરંતુ નેતન્યાહૂની આગેવાનીને સ્વીકારવા કે નકારવા અંગેનો મોટો જનમત સાબિત થશે, જેના પરિણામો પર આખા વિશ્વની નજર ટકેલી છે.
