અમેરિકાના કેપિટલ હિલ ખાતે સંસદની એક અત્યંત મહત્વની અને વિસ્ફોટક હિયરિંગ જોવા મળી હતી, જ્યાં એફબીઆઈ ચીફ કેશ પટેલે જેફરી એપસ્ટીનને લઈને એવા ધડાકા કર્યા કે ત્યાં બેઠેલા તમામ કાયદા ઘડનારાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે સાંસદ જેમી રાસ્કિને કેશ પટેલને તેમના ભૂતકાળના નિવેદનો યાદ અપાવ્યા, જેમાં તેમણે જેફરી એપસ્ટીનની ક્લાયન્ટ લિસ્ટ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી હતી. આ હિયરિંગ દરમિયાન વાતાવરણ એકદમ તંગ બની ગયું હતું અને બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ હિયરિંગ દરમિયાન સાંસદ જેમી રાસ્કિને કેશ પટેલના જૂના નિવેદનનો એક વિડિયો પણ વગાડ્યો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એફબીઆઈ ડાયરેક્ટર પાસે એપસ્ટીનની કાળી ડાયરીનું 'ડાયરેક્ટ કંટ્રોલ' છે. રાસ્કિને સવાલ કર્યો હતો કે હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા એપસ્ટીનના સાથીદારોના નામ અત્યાર સુધી કેમ જાહેરમાં નથી કરવામાં આવ્યા? આ સવાલના જવાબમાં કેશ પટેલે આક્રમક વલણ અપનાવતા કહ્યું હતું કે જો તમને નામો જોઈતા હોય, તો હું નામો આપીશ. આ સીધા અને આક્રમક જવાબથી હિયરિંગમાં હાજર તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
આ હિયરિંગ પછી અમેરિકી રાજકારણમાં અને સોશિયલ મીડિયા પર આ મુદ્દો અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. એપસ્ટીન કેસના આ વણઉકેલાયેલા રહસ્યો અને મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતાને કારણે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે. આ વિસ્ફોટક ખુલાસા બાદ સામાન્ય લોકો અને કાયદાકીય એજન્સીઓની નજર પણ હવે આગામી પગલાંઓ પર અટવાઈ ગઈ છે કે શું ખરેખર બધા નામ બહાર આવશે કે નહીં.
