JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ગુવાહાટીની હોટલમાં ફાયરિંગથી ખળભળાટ, 4 લોકોના મોત અને અનેક ઘાયલ

Oct 26, 2026 | 22:36 | By JAMNAGAR MIRROR
ગુવાહાટીની હોટલમાં ફાયરિંગથી ખળભળાટ, 4 લોકોના મોત અને અનેક ઘાયલ
અસમમાં ગુવાહાટીની એક હોટલમાં થયેલા અચાનક ફાયરિંગમાં 2 મહિલા સહિત 4 લોકોના મોત થતાં સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીને વહેલી તકે પકડી લેવાની ખાતરી આપી છે.

ગુવાહાટીમાં ગઈકાલે રાત્રે આશરે 8:30 વાગ્યે એક હોટલમાં અચાનક થયેલા ગોળીબારથી હાહાકાર મચી ગયો હતો. આ ખૂની હુમલામાં કુલ 4 લોકોના મોત થયા છે, જેમાં 2 મહિલાઓ પણ સામેલ છે. ગોળીબારની આ ઘટના એટલી ભયાનક હતી કે તેના અવાજથી આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. બનાવની ગંભીરતા જોતા જ પોલીસ કમિશનર સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ગુવાહાટીના પોલીસ કમિશનર પાર્થ સારથી મહંતાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પોલીસે ઘટનાસ્થળેથી 4 મૃતદેહો કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ કેસમાં કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે અને હુમલાખોરને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે.

ઉત્તર પૂર્વ ભારતના મુખ્ય ફાઇનાન્શિયલ હબ ગણાતા ગુવાહાટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી આવા હિંસક ગોળીબારના બનાવો જોવા મળ્યા નહોતા. 1990ના દાયકામાં આતંકવાદ કે ઉગ્રવાદ ચરમસીમા પર હતો ત્યારે આવા બનાવો બનતા હતા, પરંતુ હવે લાંબા સમય બાદ આ પ્રકારની ઘટના સામે આવતા લોકોમાં ચિંતા અને ડરનો માહોલ છવાઈ ગયો છે. હાલ તો પોલીસ વહેલી તકે આરોપીને પકડીને આ સમગ્ર ઘટના પાછળનું સાચું કારણ બહાર લાવવા સક્રિય બની છે.

LATEST ARTICLES