અસમના ગુવાહાટીમાંથી એક અત્યંત સનસનાટીભરી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સોમવારે મોડી રાત્રે શહેરના એક પ્રખ્યાત હોટલ પરિસરમાં અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક ગોળીબારની ઘટનામાં એક મહિલા સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. ગોળીબાર બાદ હોટલ અને તેની આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો. અચાનક થયેલા આ હુમલાને કારણે હોટલમાં રોકાયેલા મહેમાનો અને કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને રિસેપ્શન કાઉન્ટર તેમજ બહાર રસ્તા પર રક્તરંજિત હાલતમાં મૃતદેહો જોવા મળ્યા હતા.
આ ઘટના ગુવાહાટીના બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી 'વિલાસ ઇન' નામની હોટલમાં બની હતી. પોલીસના પ્રાથમિક અહેવાલો મુજબ હુમલાખોરોએ હોટલમાં આવેલા 6 લોકોના એક જૂથને નિશાન બનાવીને તાબડતોબ ગોળીબાર કર્યો હતો, જેમાં 2 મહિલાઓ પણ સામેલ હતી. આ ગોળીબારમાં ભોગ બનેલા કેટલાક લોકો હોટલના કર્મચારીઓ હોવાની પણ માહિતી સામે આવી છે. હુમલાખોરોએ અત્યંત નજીકથી ગોળીઓ ચલાવી હોવાથી 4 લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુવાહાટીના પોલીસ કમિશનર પાર્થ સારથી મહંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ સાથે તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે સમગ્ર હોટલ પરિસરને સીલ કરીને સઘન તપાસ અને નાકાબંધી હાથ ધરી છે. જોકે, આ હત્યાકાંડ પાછળનો મુખ્ય હેતુ શું હતો, મૃતકોની સાચી ઓળખ શું છે અને હુમલાખોરો કોણ હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ આસપાસના સીસીટીવી ફુટેજ કબજે કરીને ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચારેય બાજુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ગંભીર ઘટના બાદથી શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસ વહેલી તકે આરોપીઓને પકડી લેવાનો દાવો કરી રહી છે.
