મોરબી જિલ્લાના હળવદ શહેરમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. હળવદની જાણીતી દ્વારકાધીશ હોટલમાંથી એક જાગૃત નાગરિક અને વ્યવસાયે તબીબ દ્વારા ખરીદવામાં આવેલી ‘ગોકુલ’ બ્રાન્ડની ઠંડા પીણાની બોટલમાંથી મરેલી માખી મળી આવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો આ દૂષિત પીણું કોઈ અજાણતા પી ગયું હોત તો ફૂડ પોઈઝનિંગ કે ગંભીર બીમારીનો ભોગ બનવું પડત, પરંતુ સીલ ખોલતા પહેલા જ નજર પડી જવાથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ બનાવને પગલે સ્થાનિક ગ્રાહકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
બનાવની વિગત મુજબ, હળવદમાં જ પ્રેક્ટિસ કરતા એક સ્થાનિક ડોક્ટર રિફ્રેશમેન્ટ માટે દ્વારકાધીશ હોટલ પર ગયા હતા અને ત્યાંથી 20 રૂપિયાની કિંમતવાળી ‘ગોકુલ’ કંપનીની મેંગોક્રશની સીલબંધ બોટલ ખરીદી હતી. તેઓ બોટલનું સીલ ખોલીને પીણું પીવા જાય તે પહેલા જ તેમની નજર પારદર્શક પ્રવાહીમાં તરતી એક મરેલી માખી પર પડી હતી. આ જોઈને ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક દુકાનદારને બોલાવીને આ ગંભીર બાબતની જાણ કરી હતી. જોકે, હોટલ સંચાલકે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા એવું રટણ કર્યું હતું કે તેઓ તો માત્ર કંપનીનો માલ વેચે છે અને તેમણે આ બાબતની ફરિયાદ કંપનીના એજન્સી કે ડીલરને કરી દીધી છે, જેણે કારણે ગ્રાહકોમાં રોષ વધુ ભડક્યો હતો.
આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે પ્રખ્યાત બ્રાન્ડ્સ અને ફેક્ટરીઓમાં હાઈજીન તેમજ ક્વોલિટી કંટ્રોલના ધજાગરા ઉડી રહ્યા છે. કોઈપણ પ્રકારની સાફ-સફાઈ કે ગુણવત્તાની ચકાસણી વગર જ પેકિંગ પ્લાન્ટમાંથી આવા પીણાં બજારમાં વેચાણ માટે મોકલી દેવામાં આવે છે, જે સીધી રીતે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં સમાન છે. આ મામલે હવે સ્થાનિક રહીશો અને સામાજિક અગ્રણીઓ દ્વારા મોરબી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક આ હોટલ અને સંબંધિત કંપનીના ગોડાઉન પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવે અને બેદરકાર જવાબદારો સામે કડક દંડકીય કાર્યવાહી કરવામાં આવે.
