ક્લોડ AI બનાવતી પ્રખ્યાત કંપની એન્ટ્રોપિક હાલમાં ઇતિહાસના સૌથી મોટા સ્ટોક માર્કેટ લિસ્ટિંગમાંથી એક એટલે કે IPOની તૈયારી કરી રહી છે, ત્યારે તેણે સમગ્ર માનવજાત માટે એક ચિંતાજનક ચેતવણી આપી છે. સોમવારે જાહેર કરવામાં આવેલા IPO ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું છે કે જો અતિ-અભ્યાસુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સનો વિકાસ યોગ્ય દેખરેખ અને સુરક્ષા વગર કરવામાં આવે તો તે માનવ જાતિ માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. આવી એડવાન્સ્ડ ટેકનોલોજીનો જો દુરુપયોગ થાય અથવા તેને હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે, તો તે અસ્તિત્વ માટે જ જોખમી બની શકે છે તેવી આશંકા કંપનીએ વ્યક્ત કરી છે.
એન્ટ્રોપિકે સ્પષ્ટ કર્યું છે કે તેમની પોતાની AI મોડેલ્સ અત્યારે રિસર્ચની સ્પીડ વધારવામાં મદદ કરી રહી છે, જે આગામી સમયમાં સૌથી મોટો ખતરો બની શકે છે. જો AI સિસ્ટમ્સ નવા મોડલ્સ તૈયાર કરવામાં મોટા પ્રમાણમાં કામ પોતાની મેળે જ કરવા લાગશે, તો ટેકનોલોજીના વિકાસની સ્પીડ માનવીય નિયંત્રણ બહાર થઈ જશે. રિસર્ચર્સ નવી ટેકનોલોજીને ટેસ્ટ કરે અને સુરક્ષાના નિયમો નક્કી કરે તે પહેલાં જ જો AI વધુ પાવરફુલ મોડલ્સ બનાવી દેશે, તો કંપનીઓ માટે સંભવિત જોખમોને રોકવા અને કંટ્રોલ કરવા મુશ્કેલ બની જશે.
કંપનીના જણાવ્યા મુજબ, અંદરના રિસર્ચર્સથી લઈને રેગ્યુલેટર્સ અને પોલિસીમેકર્સ સુધીના તમામ લોકોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે કે જો AI ને સંપૂર્ણ ઓટોનોમી આપવામાં આવશે અને યોગ્ય સેફગાર્ડ્સ નહીં અપનાવાય, તો તે બિઝનેસ અને ફાઇનાન્શિયલ કંડિશન પર પણ માઠી અસર કરી શકે છે. હાલમાં જ્યારે એન્ટ્રોપિક માર્કેટમાં મોટું પગલું ભરવા જઈ રહી છે, ત્યારે આ ગંભીર ચેતવણીએ દુનિયાભરના ટેક એક્સપર્ટ્સ અને બિઝનેસ જગતનું ધ્યાન ખેંચ્યું છે કે AI નીતિઓમાં સુરક્ષા સૌથી પહેલાં હોવી જોઈએ.
