JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પ્લેનમાં હાઇજેકનો મેસેજ ટાઇપ કરતો મુસાફર ઝડપાયો, યુનાઇટેડ ફ્લાઇટ તાત્કાલિક પાછી લવાઈ

Oct 26, 2026 | 22:01 | By JAMNAGAR MIRROR
પ્લેનમાં હાઇજેકનો મેસેજ ટાઇપ કરતો મુસાફર ઝડપાયો, યુનાઇટેડ ફ્લાઇટ તાત્કાલિક પાછી લવાઈ
લાસ વેગાસથી ન્યુ જર્સી જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં ફ્લાઇટ અટેન્ડન્ટે એક મુસાફરના ફોનમાં હાઇજેક અંગેની ચેટ જોઈ લીધી હતી. સુરક્ષાના કારણોસર પાયલોટે કોકપિટ લોક કરીને ફ્લાઇટ સુરક્ષિત રીતે પાછી લાસ વેગાસ લેન્ડ કરાવી હતી.

આકાશમાં ઉડતી ફ્લાઇટમાં જો કોઈ મુસાફર હાઇજેક જેવી ગંભીર વાત મોબાઈલ પર મેસેજ કરીને કરે તો શું થાય? હાલમાં જ અમેરિકામાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. લાસ વેગાસથી ન્યુ જર્સી તરફ જઈ રહેલી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ નંબર 1681 માં એવો હડકંપ મચી ગયો કે પ્લેનને વચ્ચેથી જ પાછું વાળવું પડ્યું. આ ફ્લાઇટમાં કુલ 150 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ બધી જ ઘટના 24 ઓક્ટોબરના રોજ બની હતી, જ્યારે પ્લેન હેરી રીડ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ કરીને ન્યુઆર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું.

બનાવની વિગત એવી છે કે ફ્લાઇટ હવામાં હતી ત્યારે એક ફ્લાઇટ અટેન્ડન્ટની નજર એક પેસેન્જરના મોબાઈલ સ્ક્રીન પર પડી. પેસેન્જર પોતાના ફોનમાં એવા મેસેજ ટાઇપ કરી રહ્યો હતો જેમાં પ્લેન હાઇજેક કરવાની એટલે કે કબજો લેવાની વાત લખેલી હતી. આ શંકાસ્પદ મેસેજ જોતા જ ફ્લાઇટ અટેન્ડન્ટના હોશ उड़ ગયા અને તેણે તુરંત જ પાયલોટને આ બાબતની જાણ કરી. પાયલોટે સમય બગાડ્યા વગર એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક સાધ્યો અને તાત્કાલિક કોકપિટને લોક કરી દીધું. પાયલોટે કંટ્રોલ રૂમને મેસેજ આપ્યો કે ફ્લાઇટ અટેન્ડન્ટે મુસાફરને પ્લેન હાઇજેક કરવાની વાતના મેસેજ કરતા જોયો છે, તેથી અમે કોકપિટ લોક કરીને લાસ વેગાસ પાછા ફરી રહ્યા છીએ.

જ્યારે કંટ્રોલરે પૂછ્યું કે પેસેન્જર કાબૂમાં છે કે તેને બાંધવામાં આવ્યો છે, ત્યારે પાયલોટે કહ્યું કે તેને કોઈ રોકવામાં આવ્યો નથી કારણ કે તે મુસાફર અજાણ છે કે તેની પોલ ખુલી ગઈ છે. થોડીવારમાં જ આ ફ્લાઇટ રાત્રે આશરે 11:05 વાગ્યે લાસ વેગાસ એરપોર્ટ પર હેમખેમ ઉતારી લેવામાં આવી હતી. પ્લેન લેન્ડ થયા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી અને તમામ મુસાફરો તેમજ પ્લેનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જોકે, ક્રૂ મેમ્બર્સની ડ્યુટીનો સમય પૂરો થઈ જવાથી મુસાફરોએ આખી રાત એરપોર્ટ પર જ રાહ જોવી પડી હતી અને પછી રવિવારે સવારે બીજા વૈકલ્પિક પ્લેનમાં તેમને ન્યુ જર્સી મોકલવામાં આવ્યા હતા.

ફેડરલ એવિએશન ઓથોરિટી (FAA) અને યુનાઇટેડ એરલાઇન્સે આ ઘટનાને મોટી સુરક્ષા ચિંતા ગણાવી છે. હાલ પકડાયેલા તે મુસાફરની ઓળખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે પેસેન્જર ખરેખર કોઈ મોટા કાવતરાના ભાગરૂપે મેસેજ કરી રહ્યો હતો કે પછી કોઈ મજાક કે અફવા હતી. ગમે તે હોય, આ મામલે એરલાઇન્સ સ્ટાફની સતર્કતાથી એક સંભવિત મોટો ખતરો ટળી ગયો હતો.

LATEST ARTICLES