દેશના અર્થતંત્રમાં નાના અને બિન-કૃષિ ક્ષેત્રના બિઝનેસિસનું યોગદાન મોટું છે. આ નાના એકમો દેશમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે અને આર્થિક ગતિવિધિઓને મજબૂત રાખે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન એટલે કે MoSPI દ્વારા આગામી એપ્રિલ 2027થી માર્ચ 2028 દરમિયાન એન્યુઅલ સર્વે ઓફ અનઇકોર્પોરેટેડ સેક્ટર એન્ટરપ્રાઇઝિસ એટલે કે ASUSE 2027-28 હાથ ધરવામાં આવશે. આ સર્વેનો મુખ્ય હેતુ દેશના આ નાના બિઝનેસિસની અસલી તસવીર મેળવવાનો છે, જેથી સરકારને યોગ્ય નીતિઓ બનાવવામાં મદદ મળી રહે.
આ વખતના સર્વેની ખાસ વાત એ છે કે તેમાં કેટલાક નવા અને મહત્ત્વના સવાલો ઉમેરવામાં આવ્યા છે. આપણા દેશમાં મહિલાઓ પણ મોટા પ્રમાણમાં નાના બિઝનેસ ચલાવી રહી છે, પરંતુ તેમને ધંધો ચલાવવામાં કયા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે આ સર્વેમાં પહેલીવાર ખાસ સવાલો પૂછવામાં આવશે. આ ઉપરાંત, બિઝનેસમાં વીજળીના કયા સ્ત્રોતો વપરાય છે અને લાંબા ગાળા માટે ફિક્સ્ડ એસેટ્સમાં કેવું ઇન્વેસ્ટમેન્ટ થાય છે તેની પણ ઝીણવટભરી માહિતી એકત્ર કરવામાં આવશે. એટલું જ નહીં, ટેક્સટાઇલ મિનિસ્ટ્રીની વિનંતી પર હેન્ડલૂમ, પાવરલૂમ અને હસ્તકલા ક્ષેત્રના એકમોને સરળતાથી ઓળખી શકાય તે માટેના ખાસ સવાલો પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી આ સર્વે કેલેન્ડર ઇયર એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બરના સમયગાળા મુજબ થતો હતો, પરંતુ ડેટા વધુ ઉપયોગી સાબિત થાય તે માટે તેને બદલીને હવે ફાઇનાન્શિયલ ઇયર એટલે કે એપ્રિલથી માર્ચના ધોરણે ગોઠવવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટરના અન્ય સર્વેની જેમ જ આને પણ ફાઇનાન્શિયલ ઇયર સાથે જોડવાથી નેશનલ એકાઉન્ટ્સ માટે ડેટાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ બની જશે. જાન્યુઆરીથી માર્ચ 2027ના ત્રિમાસિક ગાળાના ડેટામાં કોઈ ખલેલ ન પડે તે માટે જૂના શિડ્યુલ મુજબ કામ ચાલુ રહેશે અને ત્યારબાદ એપ્રિલ 2027થી નવા સર્વે સાયકલની શરૂઆત થશે. આ પ્રસ્તાવિત ફેરફારો અંગે જો કોઈને સૂચનો મોકલવા હોય તો તેઓ 15મી નવેમ્બર 2026 સુધીમાં સંબંધિત ઈમેલ આઈડી પર મોકલી શકશે.
