JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સેન ફ્રાન્સિસ્કોમાં કરોડોની લક્ઝરીયસ મેન્શન હરાજીમાં મૂકાશે, ટેક્સ ભરવામાં ફેલ જતાં મોટો નિર્ણય

Oct 26, 2026 | 21:55 | By JAMNAGAR MIRROR
સેન ફ્રાન્સિસ્કોમાં કરોડોની લક્ઝરીયસ મેન્શન હરાજીમાં મૂકાશે, ટેક્સ ભરવામાં ફેલ જતાં મોટો નિર્ણય
અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં 44 લાખ ડોલરની કિંમતનું એક આલીશાન ઘર લાંબા સમયથી ખાલી હતું અને તેના પર 340,000 ડોલરથી વધુનો ટેક્સ બાકી હતો. આ મામલે વિવાદ વધતાં અને ફ્રોડના કેસ સામે આવતાં સિટી પ્રશાસને આ ઘરને પબ્લિક ટેક્સ ઓક્શન એટલે કે હરાજીમાં મૂકવાનો સર્વાનુમતે મોટો નિર્ણય લીધો છે.

અમેરિકાના પ્રખ્યાત અને પોશ વિસ્તાર ગણાતા સેન ફ્રાન્સિસ્કોના સી ક્લિફ નેબરહુડમાં આવેલી એક આલીશાન મેન્શન અત્યારે ચારેય બાજુ ચર્ચાનો વિષય બની છે. અંદાજે 44 લાખ ડોલર એટલે કે કરોડો રૂપિયાની કિંમતનું આ સુંદર મેડિટેરેનિયન સ્ટાઇલનું ઘર લાંબા સમયથી તદ્દન ખાલી પડ્યું હતું. ઘર ખાલી રહેવાને કારણે સમય જતાં તેના પર પ્રોપર્ટી ટેક્સનું બિલ વધતું ગયું અને આ રકમ વધીને 340,000 ડોલરને પાર કરી ગઈ. આ મામલો એટલો પેચીદો બન્યો કે આખરે સેન ફ્રાન્સિસ્કોના બોર્ડ ઓફ સુપરવાઈઝર્સે એક ખાસ પ્રસ્તાવ પસાર કરીને આ ઘરને પબ્લિક ટેક્સ ઓક્શનમાં વેચવાની મંજૂરી આપી દીધી છે. સામાન્ય રીતે આટલી ઊંચી કિંમતની પ્રોપર્ટીઝ ટેક્સ ન ભરવાને કારણે સરકાર દ્વારા જપ્ત થાય તેવી ઘટનાઓ બહુ ઓછા કેસોમાં જોવા મળતી હોય છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત વર્ષ 2013માં થઈ હતી જ્યારે વેઈ વાંગ અને તેના પતિએ આ ઘર ખરીદ્યું હતું. સિટી એટર્ની ડેવિડ ચિયુ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, માલિક વિદેશી શિફ્ટ થઈ ગયા બાદ પ્રોપર્ટી ટેક્સ ભરવાનું બંધ કરી દીધું હતું. ઘર લાંબા સમય સુધી બંધ અને સૂમસામ રહેવાથી કેટલાક લોકોની નજર તેના પર બગડી. ગણતરીના મહિનાઓમાં આ પ્રોપર્ટીને હડપ કરી લેવા માટે મોટા પાયે ફ્રોડ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, કેટલાક શખ્સોએ ખોટી સહીઓ અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને આ ઘરની માલિકી પોતાના નામે કરી લીધી હોવાના અસંખ્ય બોગસ પેપર્સ રજૂ કર્યા હતા. આ મામલે કોર્ટ દ્વારા પણ કડક વલણ અપનાવીને આરોપીઓની વિરુદ્ધ ટેમ્પરરી રેસ્ટ્રેનિંગ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો જેથી પ્રોપર્ટી આગળ વેચી ન શકાય.

આ શાનદાર વિસ્તારમાં આવેલી આ સૂમસામ મેન્શન આસપાસના સ્થાનિક રહેવાસીઓ માટે પણ માથાનો દુખાવો બની ગઈ હતી. નેબર્હુડના લોકોએ ફરિયાદ કરી હતી કે આ ખાલી ઘરમાં અવારનવાર શંકાસ્પદ લોકો ગેરકાયદેસર રીતે ઘૂસી જતા હતા, મોડી રાત્રે અવાજો આવતા હતા અને તોડફોડ જેવી પ્રવૃત્તિઓ થતી હતી જેને કારણે પોલીસને વારંવાર બોલાવવી પડતી હતી. આ ગેરકાયદે કબજા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસે પણ ફોજદારી તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિક લોકોની આ પરેશાની અને લાંબા સમયથી અટવાયેલા ટેક્સના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે ટેક્સ કલેક્ટર જોસે સિસનેરોસને આ ઘરને સૌથી ઊંચી બોલી લગાવનારને વેચી દેવાની સત્તા સોંપવામાં આવી છે. હરાજીમાંથી જે નાણાં આવશે તેમાંથી સૌથી પહેલાં 340,000 ડોલરનો બાકી ટેક્સ અને દંડ વસૂલવામાં આવશે, અને બાકીની રકમ કાયદાકીય નિયમો મુજબ તેના અસલી હકદાર કે કાનૂની માલિકને પરત આપવામાં આવશે. પ્રશાસન દ્વારા ટૂંક સમયમાં જ આ પબ્લિક ઓક્શનની તારીખ જાહેર કરવામાં આવશે.

LATEST ARTICLES