ટેકનોલોજીની દુનિયામાં અત્યારે જો કોઈ સૌથી મોટું નામ ચર્ચામાં હોય તો તે છે એઆઈ કંપની Anthropic. પ્રખ્યાત Claude એઆઈ મોડેલ પાછળની આ કંપની હવે તેનો ઐતિહાસિક આઈપીઓ લઈને આવી રહી છે. સોમવારે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં સબમિટ કરાયેલા ડેટા મુજબ, આ કંપની ન્ડેસ્ડેક ગ્લોબલ સિલેક્ટ માર્કેટમાં ANT સિમ્બોલ સાથે લિસ્ટેડ થવા તૈયાર થઈ રહી છે. ખાસ વાત એ છે કે મુખ્યત્વે એઆઈ ડેવલપમેન્ટ પર ફોકસ કરતી આ પહેલી એવી કંપની બનવા જઈ રહી છે જે પબ્લિકલી માર્કેટમાં જઈ રહી છે. આ મોટા આઈપીઓ માટે ગોલ્ડમેન સાચ અને મોર્ગન સ્ટેન્લી સહિતની અન્ય 20 મોટી બેંકો કમાન સંભાળી રહી છે.
એક તરફ આઈપીઓને લઈને દુનિયાભરમાં ઉત્સાહ છે, તો બીજી તરફ કંપનીના નાણાકીય આંકડા ચોંકાવનારા છે. આ વર્ષના પહેલા 6 મહિનામાં જ Anthropic ને અંદાજે 80.7 બિલિયન ડૉલરનું નેટ લોસ થયું છે, જ્યારે તેની સામે રેવન્યુ 16.3 બિલિયન ડૉલરની રહી છે. જો કે, આ કંપની મુખ્યત્વે મોટા બિઝનેસ ક્લાયન્ટ્સને સર્વિસ આપે છે અને તેના કસ્ટમર્સ જાળવી રાખવાનો દર એટલે કે નેટ રેવન્યુ રેટન્શન પણ અશક્ય લાગે તેટલો એટલે કે અંદાજે 900 ટકા આસપાસ છે. કંપનીનું મોટું રેવન્યુ તેના ટોપ 5 ગ્રાહકો સિવાયના અન્ય કસ્ટમર્સ પાસેથી આવે છે, જે દર્શાવે છે કે બજારમાં તેનું પકડ મજબૂત છે.
પરંતુ આ બધાની વચ્ચે કંપનીએ તેના પ્રોસ્પેક્ટસમાં એક એવી ચોંકાવનારી વાત કહી છે જેણે ટેક વર્લ્ડનું ટેન્શન વધારી દીધું છે. કંપનીએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે તેમની એઆઈ ટેકનોલોજી માનવજાત માટે અસ્તિત્વનું જોખમ પણ ઊભું કરી શકે છે. એઆઈ સિસ્ટમ્સ ભવિષ્યમાં પોતાને શટડાઉન થવાથી અટકાવવાનો પ્રયાસ કરી શકે છે અથવા તો માહિતી છુપાવી કે હેરાફેરી પણ કરી શકે છે તેવી ગંભીર ચેતવણી આ ફાઈલિંગમાં આપવામાં આવી છે. નોકરીઓ છીનવાઈ જવાની ચિંતા તો ઠીક, પણ હવે એઆઈ આપણી કંટ્રોલ બહાર તો નહીં થઈ જાય તેવા ડર વચ્ચે આ કંપનીની શેરબજારની સફર કેવી રહેશે તેના પર આખી દુનિયાની નજર છે.
