વડોદરા શહેરના બાજવા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એસિડ પીધા બાદ કાળઝાળ પીડા અનુભવ્યા બાદ કાજલ નામની યુવતીનું મોત નીપજ્યું છે. આ ઘટના બાદ ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને દીકરી ગુમાવનાર પરિવારજનોનું રોઈ રોઈને बुरा हाल છે. શંકાસ્પદ સંજોગોમાં બનેલી આ ઘટના પાછળ સાસરિયાઓનો અત્યાચાર જવાબદાર હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈને પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
ઘટના સામે આવ્યા બાદ સાસરિયાઓ તરફથી એવો બચાવ કરવામાં આવ્યો હતો કે કાજલે ભૂલથી પાણીની જગ્યાએ એસિડ પી લીધું હતું, જેના કારણે આ દુર્ઘટના ઘટી. પરંતુ મૃતક કાજલના પિતાએ આ દલીલને ફગાવીને સાસરિયાઓ સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. પિતાનું કહેવું છે કે સાસરિયાઓ દ્વારા તેમની દીકરીને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને અવારનવાર ઝઘડા કરવામાં આવતા હતા. આ ત્રાસથી કંટાળીને જ તેમની દીકરીએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું તેઓ માની રહ્યા છે.
શોકાતુર પિતાએ વધુમાં ખુલાસો કરતા જણાવ્યું કે અગાઉ પણ સમાધાન પેટે સાસરિયાઓ દ્વારા તેમની પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. દીકરીના વિયોગમાં તૂટી ગયેલા પિતાએ આંસુ સારતા એટલું જ કહ્યું કે, "હું 25 લાખ રૂપિયા આપવા પણ તૈયાર છું, પણ કોઈક રીતે મારી દીકરીને મને જીવતી બેઠી કરી આપો." એક પિતાનું આ દર્દ સાંભળીને કોઈપણની આંખમાં પાણી આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ ગંભીર મામલે પોલીસ દ્વારા પણ ઘટનાની નોંધી લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારના નિવેદનોના આધારે સાચું શું છે તે બહાર આવશે, પરંતુ હાલ તો પીડિત પરિવાર દ્વારા દીકરીના મોત માટે જવાબદાર સાસરિયાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે.
