ક્રિકેટની રમત એટલે જ રોમાંચ અને અનિશ્ચિતતાઓનો ખેલ, જ્યાં ક્યારેક એક-એક રન ભારે પડી જતો હોય છે. આવો જ એક અજીબોગરીબ અને વિવાદિત કિસ્સો નાગપુરના અમૃતબાઈ ડાગા કોલેજ ગ્રાઉન્ડ પર રમાયેલી મહિલા અંડર-19 ટુર્નામેન્ટમાં સામે આવ્યો છે. અહીં ઉત્તરાખંડ સામેની મેચમાં ઝારખંડની ટીમ માત્ર 1 રનથી હારી ગઈ, પણ આ હાર પાછળ કોઈ ખેલાડીનું ખરાબ પ્રદર્શન નહીં, પણ સ્કોરરની નાની ભૂલ જવાબદાર હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ મામલે હવે ઝારખંડ ક્રિકેટ એસોસિએશને સીધી BCCIમાં ફરિયાદ કરીને ન્યાયની માંગ કરી છે.
બનેલી ઘટનાની વાત કરીએ તો, ઉત્તરાખંડે પહેલા બેટિંગ કરીને 6 વિકેટના નુકસાને 134 રનનો ટાર્ગેટ બનાવ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઝારખંડની ટીમ છેલ્લી ઓવર સુધી સંઘર્ષ કરતી રહી અને ઇનિંગ્સના છેલ્લા બોલ પર 133 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મેદાન પર રમી રહેલી ખેલાડીઓ અને ડગઆઉટમાં બેઠેલા સપોર્ટ સ્ટાફને એમ જ હતું કે સ્કોર ટાઈ થઈ ગયો છે અથવા તો જીત માટે છેલ્લી કોશિશ ચાલુ છે. પણ જ્યારે મેચ પૂરી થઈ ત્યારે ખબર પડી કે ટીમ 1 રનથી મેચ હારી ચૂકી છે અને આ સાથે જ તેમનું ટૂર્નામેન્ટમાં આગળ વધવાનું સપનું પણ તૂટી ગયું.
અસલી લોચો ક્યાં થયો તેની વાત કરીએ તો, 19.4 ઓવરમાં જ્યારે ઝારખંડનો બેટ્સમેન બીજો રન લેવા દોડી રહ્યો હતો ત્યારે તે રન આઉટ થઈ ગયો. નિયમ પ્રમાણે એ બોલ પર એક રન તો કમ્પ્લીટ થઈ જ ગયો હતો. મેદાન પર દૂર લગાવેલા ડિજિટલ સ્કોરબોર્ડ પર પણ આ સ્કોર અપડેટ થઈ ગયો હતો, જેને ખેલાડીઓએ સાચો માની લીધો હતો. પરંતુ, મેઈન સ્કોરર ભાઈ સાહેબ આ પહેલો રન રેકોર્ડ કરવાનું જ ભૂલી ગયા અને માત્ર રન-આઉટની એન્ટ્રી કરી દીધી. આ ભૂલ આખી ટીમ માટે ભારે સાબિત થઈ.
મેચ પૂરી થયા પછી ઝારખંડની છોકરીઓએ મેદાન પર જ સ્કોરર સાથે ઘણી દલીલો કરી અને ભૂલ સુધારવા માટે કાલાવેલા પણ કર્યા, પણ સ્કોરર પોતાની જીદ પર અડગ રહ્યો. નિયમોની અડચણ એવી છે કે અમ્પાયરોએ પણ સ્કોરબોર્ડ ચલાવનાર વ્યક્તિના કહેવા કરતાં મુખ્ય સ્કોરરના રેકોર્ડને જ માન્ય રાખવો પડે છે. પરિણામે, એક રનની ભૂલ સુધારી શકાઈ નહીં અને ઝારખંડે ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું. હવે આ મામલે BCCI શું નિર્ણય લે છે અને સત્તાવાર સ્કોરર સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
