આજના ગ્લોબલ પોલિટિક્સમાં ક્યારે શું બદલાય તે કહી શકાતું નથી. રશિયા સામે યુરોપમાં પોતાની તાકાત વધારવા માટે હવે ફ્રાન્સે એક મોટો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. ફ્રાન્સ અત્યારે ફોરવર્ડ ડિટરેન્સ નામની એક ખાસ સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ યુરોપિયન ધરતી પર પોતાની ન્યૂક્લિયર ઉપસ્થિતિને મજબૂત કરવાનો છે. આ પ્લાન હેઠળ ફ્રાન્સ પોતાના ન્યૂક્લિયર હથિયારો લઈ જવા માટે સક્ષમ એવા પાવરફુલ રાફેલ ફાઈટર જેટ્સને પોતાના સહયોગી દેશોમાં તૈનાત કરવા જઈ રહ્યો છે, જેથી કોઈપણ ખતરા સામે તાત્કાલિક જવાબ આપી શકાય.
આ આખી રણનીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શસ્ત્રો ગોઠવવાનો નથી, પરંતુ મિલિટરી સહયોગને વધુ ગાઢ બનાવવાનો છે. વૈશ્વિક સ્તરે બદલાતા સમીકરણો વચ્ચે ફ્રાન્સનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રશિયા તરફથી વધતા સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને યુરોપિયન દેશો હવે પોતાની સુરક્ષા બાબતે વધુ સજાગ બન્યા છે અને ફ્રાન્સ આમાં લીડ લેતો નજરે પડી રહ્યો છે.
આ સમગ્ર મામલામાં અમેરિકાની ભૂમિકા અને નાટો દેશોને લઈને પણ મોટી ચર્ચાઓ ચાલી રહી છે. અમેરિકા સતત પોતાના નાટો સહયોગી દેશો પર દબાણ કરી રહ્યું છે કે તેઓ પોતાના ડિફેન્સ બજેટમાં મોટો વધારો કરે. આ સ્થિતિ વચ્ચે અમેરિકા યુરોપિયન સુરક્ષાને લઈને કેટલું ગંભીર છે અને તેની લાંબા ગાળાની વચનબદ્ધતા શું હશે, તેને લઈને અનેક પ્રકારની ચિંતાઓ અને સવાલો પણ ઉઠી રહ્યા છે. આ બધાની વચ્ચે ફ્રાન્સનો આ નવો પ્લાન યુરોપની સુરક્ષા વ્યવસ્થાને નવો વળાંક આપી શકે છે.
