દિવાળીનો તહેવાર એટલે ઘરોમાં રોશની, મીઠાઈઓ અને ખરીદીનો માહોલ. આ દિવસોમાં વડોદરા શહેરના બજારો ખરીદી માટે આવતા લોકોથી ઉભરાઈ જતા હોય છે. લોકો મોડે સુધી બજારોમાં ખરીદી કરવા નીકળે છે, ત્યારે આ ભીડભાડનો લાભ લઈને કોઈ અસામાજિક તત્વો અશાંતિ ન ફેલાવે તે માટે વડોદરા પોલીસ સંપૂર્ણપણે એલર્ટ થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે પોલીસે શહેરમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન શરૂ કરી દીધું છે.
શહેરના સૌથી જાણીતા અને ધમધમતા મંગળ બજાર વિસ્તારમાં પોલીસ કાફલાએ અચાનક સઘન તપાસ હાથ ધરી હતી. સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે આ ઓપરેશનમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમોને પણ મેદાને ઉતારવામાં આવી હતી. એટલું જ નહીં, બજારોની ભીડ પર આકાશમાંથી બાજ નજર રાખવા માટે અત્યાધુનિક ડ્રોન કેમેરાનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી દરેક હિલચાલ પર પોલીસની સીધી નજર રહી શકે.
પોલીસ તંત્ર દ્વારા માત્ર સુરક્ષા જ નહીં પરંતુ નાગરિકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. તહેવારોની ખરીદી વખતે બજારોમાં ભારે ભીડ હોવાથી ખિસ્સા કાતરૂઓ કે ચોરો સક્રિય થવાની પૂરી શક્યતા રહે છે. આથી પોલીસે આમ જનતાને અપીલ કરી છે કે તેઓ બજારોમાં ખરીદી કરતી વખતે પોતાના કિંમતી સામાન, પર્સ અને સોના-ચાંદીના દાગીનાની ખાસ કાળજી રાખે. આ ઉપરાંત જો આસપાસ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજરે પડે, તો તુરંત પોલીસને જાણ કરવા માટે પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
