યુરોપના અનેક દેશોમાં અત્યારે જનતાનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. મોંઘવારી, રહેઠાણની વિકટ સમસ્યા, પેન્શનમાં કાપ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દાઓને લઈને શનિવારે ફ્રાન્સ, અલ્બેનિયા, ઇટાલી, સ્પેન અને પોર્ટુગલમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ એટલી હદે વણસી ગઈ કે અનેક પ્રમુખ શહેરોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણો થઈ હતી. વિરોધ પ્રદર્શનોના આ પૂરને રોકવા માટે સરકારોએ સુરક્ષા વ્યવસ્થા સખત કરી દીધી છે અને કેટલાક સંવેદનશીલ સ્થળોએ સેનાને પણ મેદાનમાં ઉતારવી પડી છે.
ખાસ કરીને ફ્રાન્સમાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ રહી હતી. ગૃહમંત્રી લોરેન્ટ નુનેઝના જણાવ્યા અનુસાર, દેશભરમાંથી આશરે 1000 લોકોની અટકાયત કરવામાં આવી છે. સરકારના અંદાજ મુજબ આશરે 4.10 લાખ લોકોએ આ રેલીઓમાં ભાગ લીધો હતો, જ્યારે આયોજકોનો દાવો હતો કે આંકડો લગભગ 8 લાખનો હતો. પેરિસમાં માહોલ વધુ ગરમાયો હતો જ્યાં પોલીસે ભીડને ખદેડવા માટે વોટર કેનન અને ટીયર ગેસના ગોળા છોડવા પડ્યા હતા. ઉપદ્રવીઓ પર નજર રાખવા માટે આકાશમાં પોલીસ હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો, જ્યાં વામપંથી નેતાઓએ પોલીસની સખત કાર્યવાહીની ટીકા કરી હતી, તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ માટે ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિઓને જવાબદાર ગણાવી હતી.
બીજી તરફ અલ્બેનિયાની રાજધાની તિરાનામાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં સરકાર વિરુદ્ધ જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો હતો. બેરોજગારી અને નબળી શિક્ષણ વ્યવસ્થાથી કંટાળેલા યુવાનોએ વડાપ્રધાન એડી રામાના રાજીનામાની માગ કરી હતી. ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ કૃષિ મંત્રાલયના પ્રવેશદ્વાર પર આગ ચાંપી દીધી હતી તેમજ સરકારી ઇમારતો અને બેંકોને પણ નિશાન બનાવી હતી. ઇટાલીના મિલાન, રોમ અને નેપલ્સ જેવા શહેરોમાં પણ યુવાનોએ મોરચો ખોલ્યો હતો. રોમમાં કેટલાક પ્રદર્શનકારીઓએ ઐતિહાસિક કોલોસિયમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો જેને સુરક્ષાકર્મીઓએ નિષ્ફળ બનાવ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ મિલાનમાં 500 વધારાના સૈનિકો તૈનાત કરવાની જાહેરાત કરવી પડી હતી. પોલીસે આઠ શહેરોમાંથી કુલ 9 લોકોની ધરપકડ કરી છે અને 371 લોકોની અસ્થાયી અટકાયત કરી છે, જેમાં 110 સગીરો પણ સામેલ છે.
સ્પેન અને પોર્ટુગલમાં પણ લોકોનો ગુસ્સો મુખ્યત્વે મોંઘા મકાનો અને વધતી મોંઘવારી સામે કેન્દ્રિત હતો. મેડ્રિડમાં પેન્શનરોએ ન્યૂનતમ પેન્શન વધારવા અને પેન્શનના ખાનગીકરણ પર રોક લગાવવાની માગ સાથે માર્ચ કાઢી હતી. તો વળી, પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં હાઉસિંગ ક્રાઇસિસ સામે વિરોધ નોંધાવતા પ્રદર્શનકારીઓએ રોસિયો સ્ક્વેરમાં 100 થી વધુ ટેન્ટ લગાવીને પડાવ નાખ્યો હતો, જેને રવિવારે વહેલી સવારે પોલીસે બળપૂર્વક હટાવ્યો હતો. પોર્ટુગલમાં 2017 પછી મકાનોના ભાવ બમણાથી વધુ થઈ ગયા છે અને બેંક ઓફ પોર્ટુગલના અહેવાલ મુજબ દેશમાં અત્યારે આશરે 3 લાખ ઘરોની ભારે અછત ચાલી રહી છે, જેના કારણે આમ આદમીનું જીવન મુશ્કેલ બન્યું છે.
