ગુજરાત પોલીસ દળમાં ફરજ બજાવતા જવાનો માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી સંભાળતા, પરંતુ ખેલકૂદમાં પણ અવ્વલ રહે છે. પોલીસ જવાનોમાં શારીરિક સજ્જતા, ખેલદિલી અને પરસ્પર તાલમેલ વધે તે હેતુથી પાલનપુરના એસઆરપી જૂથ-3 મડાણા ખાતે ગુજરાત પોલીસ ડીજીપી કપ 2026 અંતર્ગત કબડ્ડી કલસ્ટરની ભવ્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના ભાગરૂપે ખો-ખો રમતની પુરુષ અને મહિલા વિભાગની અત્યંત રસાકસી ભરેલી ફાઈનલ મેચો રમાઈ હતી, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ભવ્ય રમતગમત મહોત્સવમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી ખાસ મહેમાન તરીકે પધાર્યા હતા. મંત્રીશ્રીએ મેદાન પર સિક્કો ઉછાળીને ફાઈનલ મુકાબલાની શાનદાર શરૂઆત કરાવી હતી અને બેસીને જીવંત મેચનો આનંદ માણી ખેલાડીઓનો જોરશોરથી ઉત્સાહ વધાર્યો હતો. મેચની સાથે-સાથે મંત્રીએ જૂથ-3 મડાણાના એસડીઆરએફ યુનિટ દ્વારા યોજાયેલા આપત્તિ વ્યવસ્થાપન સાધન-સામગ્રી અને ફિલ્ડ કામગીરીના એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી. કટોકટીની પળોમાં કે કુદરતી હોનારતો વખતે રેસ્ક્યુ ઓપરેશનમાં કામ લાગતા આધુનિક ગિયર અને ઈમરજન્સી લાઈટિંગ સિસ્ટમનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી તેમણે ટીમની કામગીરીને બિરદાવી હતી અને જરૂરી ટેકનિકલ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
મેદાન પર ખેલાડીઓનો જોશ અને જનૂન જોવા જેવો હતો. મહિલા વિભાગની ખો-ખો ફાઈનલ મેચમાં વડોદરા રેન્જની ટીમ સામે અમદાવાદ રેન્જની ટીમ ટકરાઈ હતી. વડોદરાની ટીમે શાનદાર રણનીતિ અને પૂરતી ઝડપ દાખવીને અમદાવાદ રેન્જને હરાવીને ટ્રોફિ જીતી લીધી હતી. બીજી તરફ પુરુષ વિભાગના રોમાંચક જંગમાં આર્મડ યુનિટ અને જેલ વિભાગ આમને-સામને હતા. શરૂઆતથી જ મેચમાં પોતાનો દબદબો જાળવી રાખીને આર્મડ યુનિટની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ચેમ્પિયન ટ્રોફિ પોતાના નામે કરી હતી.
મેચ પૂરી થયા બાદ વિજેતા બનેલી ટીમોને સન્માનિત કરવામાં આવી હતી. સેનાપતિ દિનેશસિંહ ચૌહાણ દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવીને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત, મદદનીશ સેનાપતિ આર.એલ. ડાંખરા દ્વારા મડાણા પધારેલી ખો-ખો મેચની ટેકનિકલ ઓફિશિયલ ટીમને મોમેન્ટો આપીને સમગ્ર સ્પર્ધાનું પારદર્શક અને સુચારુ સંચાલન કરવા બદલ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર માહિતી એસઆરપી જૂથ-3 મડાણાના પોલીસ વાયરલેસ ઈન્સ્પેક્ટર દ્વારા એક અખબારી યાદીમાં આપવામાં આવી હતી.
