JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કિસાન અને પશુપાલન

બનાસકાંઠાના ભીલડીમાં આકાર પામ્યું અદભુત સંશોધન કેન્દ્ર, PM મોદી કરશે દેશભરના પશુપાલકોને ભેટ

Oct 26, 2026 | 00:55 | By JAMNAGAR MIRROR
બનાસકાંઠાના ભીલડીમાં આકાર પામ્યું અદભુત સંશોધન કેન્દ્ર, PM મોદી કરશે દેશભરના પશુપાલકોને ભેટ
આગામી 30મી ઓક્ટોબર 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠાના ભીલડી ખાતેથી રૂા. 325 કરોડના ખર્ચે બનેલા અત્યાધુનિક બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. 127 એકરમાં ફેલાયેલા આ કેન્દ્ર દ્વારા દેશી ગાયો અને ભેંસોની ઓલાદ સુધારીને પશુપાલકોની આવક વધારવાનો મોટો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

બનાસકાંઠાના રણકાંઠા અને સાદી, ભોળી પ્રજા માટે એક ગર્વના સમાચાર સામે આવ્યા છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 30મી ઓક્ટોબર 2026, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી બનાસ ડેરીના પાંચ મોટા વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભીલડી ખાતે 127 એકર વિશાળ જમીનમાં રૂા. 325 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દેશના પશુપાલકોને અર્પણ કરશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના માર્ગદર્શન અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગોકુળ મિશન હેઠળ તૈયાર થયેલું આ કેન્દ્ર પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ લાવશે તેવી પૂરી આશા છે.

આ મહત્ત્વના પ્રોજેક્ટ વિશે વાત કરતાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે આ કેન્દ્રમાં પશુઓ માટે ટેસ્ટટયુબ બેબી અને ગર્ભ પ્રત્યારોપણ જેવી આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે ઉત્તમ ઓલાદની ગાય વર્ષમાં એક જ વાછરડું આપતી હોય છે, પરંતુ આ નવી ટેકનિકની મદદથી શ્રેષ્ઠ ગાયમાંથી એક જ વર્ષમાં અનેક વાછરડાં મેળવી શકાશે. આ કેન્દ્રમાં દર વર્ષે 25000 ઉત્તમ એમ્બ્રિયો તૈયાર કરવાનો ટાર્ગેટ રખાયો છે, જેથી ભવિષ્યની પેઢીનાં પશુઓ વધુ દૂધ આપવાની ક્ષમતા ધરાવતાં બને. આજે જ્યારે ઘાસચારાની જમીન ઘટી રહી છે અને પશુ રાખવાનો ખર્ચ વધી રહ્યો છે, ત્યારે 'ઓછો ખર્ચ અને વધુ દૂધ'ના સમીકરણ સાથે આ કેન્દ્ર પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ભીલડીના આ રિસર્ચ સેન્ટરમાં આપણી કાંકરેજ, ગીર, સાહીવાલ અને થારપાકર જેવી શાનદાર દેશી ગાયો તેમજ મહેસાણી, બન્ની, જાફરાબાદી અને મુર્રાહ જેવી ઉત્તમ ભેંસોની ઓલાદ સુધારવાનું કામ થશે. પશુઓની નસ્લ સુધરવાથી દૂધનું ઉત્પાદન વધશે અને પશુપાલન માત્ર ગુજરાન પૂરતું સીમિત નહીં રહેતા એક નફાકારક બિઝનેસ બની જશે. ખાસ કરીને ડેરી સેક્ટરમાં 70 ટકા યોગદાન આપતી આપણી ગ્રામીણ બહેનો અને નાના પશુપાલકોને આનો સીધો ફાયદો મળશે. ભીલડી ખાતે તૈયાર થયેલા રોગમુક્ત અને ઉત્તમ ઓલાદના સાંઢ તથા ગુણવત્તાવાળું સીમેન સસ્તા ભાવે પશુપાલકોના ઘર સુધી પહોંચાડવામાં આવશે.

આપણી દેશી ગાયો અને ભેંસો ગરમી સામે લડી લેવામાં અને ઓછા ચારામાં પણ ઉત્તમ દૂધ આપવામાં મોખરે છે. સરકારની સહાય, નિષ્ણાતોની ટીમ અને બનાસડેરીના સહકારથી તૈયાર થયેલું આ કેન્દ્ર સમગ્ર દેશ માટે એક નવો રાહ ચીંધશે. ભીલડીની ધરતી પરથી શરૂ થનારી આ પહેલ માત્ર બનાસકાંઠા કે ગુજરાત જ નહીં, પરંતુ આખા દેશના ડેરી ક્ષેત્રને મજબૂત બનાવશે અને આપણા પશુપાલકોને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવશે.

LATEST ARTICLES