આપણે ત્યાં સરકારી કચેરીઓમાં કોઈ પણ સામાજિક કે કાયદેસરનું કામકાજ હોય, સામાન્ય પ્રજાએ ધક્કા ખાવાની સાથે ખિસ્સા પણ હળવા કરવા પડે છે તેવી એક કડવી વાસ્તવિકતા બની ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો જાણે લાંચ લેવી-દેવી એ સામાન્ય વ્યવહાર બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. અહીંના અધીકારીઓ અને કર્મચારીઓ અરજદારોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખુલ્લેઆમ રૂપિયા માંગતા હોય છે, અને જો નૈવેદ્ય ન ધરાવાય તો સામાન્ય કામ માટે પણ મહિનાઓ સુધી વરધાડા કાઢવામાં આવે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો હવે ચોટીલામાંથી સામે આવ્યો છે, જ્યાં વીજ કચેરીનો જ એક કર્મચારી લાંચ લેતા પકડાઈ ગયો છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે થોડા દિવસો પહેલા એક ખેડૂતની વાડીમાં પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ચેકિંગના નામે વીજ કર્મીઓ વાડીમાં લગાડેલું વીજ મીટર જ પોતાની સાથે કચેરીએ ઉઠાવી ગયા હતા. પોતાનું મીટર ગાયબ થતાં અચંબિત થયેલા ખેડૂતે વીજ કચેરીએ દોડી જઈને મીટર પરત આપવા માટે હાથ જોડીને રજૂઆત કરી હતી. પરંતુ, કચેરીના ભ્રષ્ટ કર્મચારીઓની નિયત ખોટી હતી. તેમણે ખેડૂતને ધાકધમકી આપતા જણાવ્યું કે તમારું મીટર વીજ ચોરી પકડાઈ છે એટલે મોટો દંડ ભરવો પડશે, અને જો દંડના ભરવો હોય અને સીધું વીજ મીટર પરત લઈ જવું હોય તો રૂ. 70 હજાર આપવા પડશે.
આ ચોટીલા સબ ડીવીઝન પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા હેલ્પર અને લખતરમાં રહેતા બીપીન ભરતભાઈ પારેજીયાએ આ લાંચની રકમ માંગી હતી. ખેડૂત બિચારો લાચાર હતો પરંતુ આ રીતે અન્યાયી નાણાં આપવા તેને મંજૂર નહોતું, જેથી તેણે હિંમત દાખવીને રાજકોટ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ખેડૂતની ફરિયાદ મળતા જ એસીબીની ટીમ હરકતમાં આવી ગઈ હતી અને રાજકોટ એસીબી પીઆઈ એમ.એન.રાણા તથા તેમની સજ્જડ ટીમ દ્વારા ચોટીલા વીજ કચેરીમાં જ એક ભીષણ છટકું ગોઠવવામાં આવ્યું હતું.
યોજના મુજબ તા. 25 ના રોજ જ્યારે ફરિયાદી ખેડૂત લાંચની રકમ આપવા પહોંચ્યા ત્યારે હેલ્પર બીપીન પારેજીયાએ રૂ. 60 હજાર સ્વીકાર્યા હતા. બસ, આટલી જ રાહ જોતી એસીબીની ટીમ તરત સક્રિય થઈ ગઈ હતી અને રંગેહાથ આ લાંચિયા કર્મચારીને દબોચી લીધો હતો. આ મામલે હવે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાયદેસરની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનાથી ભ્રષ્ટ કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
