ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા હેઠળ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં માન્ય મેડિકલ ડિગ્રી કે અધિકૃત પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા બે બોગસ તબીબોને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે ઝડપી પાડ્યા છે. આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી આ આકરી કાર્યવાહીથી પંથકના લેભાગુ અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એસઓજી શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઉના પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સ્થાનિક સરકારી મેડિકલ ઓફિસર અને તેમની ટીમને સાથે રાખીને ગરાળ ગામમાં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન ગામમાં બે શખ્સો કોઈપણ પ્રકારની માન્ય તબીબી લાયકાત કે સરકારી પરવાનગી વગર એલોપેથીક દવાઓ આપીને દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી જુદી જુદી એલોપેથીક દવાઓ તથા તબીબી સાધનસામગ્રી સહિત કુલ ૧૭ જેટલા આર્ટિકલ્સ કબ્જે કર્યા હતા, જેની અંદાજિત કિંમત ૩,૭૬૪ રૂપિયા આંકવામાં આવી છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પોલીસે ગરાળ ગામના રહેવાસી રાજેશભાઈ લીલાધરભાઈ બગથરીયા તેમજ ખેંગારસિંહ પ્રભાતસંગ ચાવડા વિરુદ્ધ ઉના પોલીસ મથકમાં અલગ-અલગ બે ગુના નોંધી ધોરણસરની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારના ભોળા નાગરિકોના સ્વાસ્થ્ય અને કિંમતી જીવન સાથે જીવલેણ ખેલ ખેલતા આવા નકલી ડોક્ટરો સામે પોલીસે લાલ આંખ કરતા સ્થાનિક લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવા બોગસ તબીબો વિરુદ્ધ કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળ્યા છે.
