આજના ડિજિટલ જમાનામાં મોંઘા સ્માર્ટફોન ખરીદતી વખતે ગ્રાહકો કંપનીઓની વોરંટી અને સર્વિસ પર આંખ બંધ કરીને ભરોસો કરતા હોય છે, પરંતુ જ્યારે મુશ્કેલી આવે ત્યારે મોટી બ્રાન્ડ્સ પણ કેવા હાથ ઊંચા કરી દે છે તેનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. હરિયાણામાં રહેતા વિકી કપૂર નામના ગ્રાહકે સેમસંગ કંપની સામે કન્ઝ્યુમર કમિશનમાં એક મોટી લડાઈ જીતી લીધી છે. વિકીએ સેમસંગનો પ્રીમિયમ ફોન સેમસંગ ઝેડ ફ્લિપ6 ખૂબ જ ઉત્સાહથી ખરીદ્યો હતો, પરંતુ ખુશી લાંબી ના ટકી અને થોડા જ દિવસોમાં ફોનની સ્ક્રીન અચાનક એકદમ બ્લેક થઈ ગઈ. ફોન વોરંટીની અંદર હોવા છતાં જ્યારે તેને હોસ્પિટલ જેવા સર્વિસ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો, ત્યારે અસલી ડ્રામા શરૂ થયો.
સર્વિસ સેન્ટરના એક્સપર્ટ્સ અને કંપનીએ ગ્રાહકની વાત સાંભળવાને બદલે સીધો જ દાવો કરી દીધો કે આ નુકસાન ગ્રાહકની પોતાની ભૂલના કારણે થયું છે અને ફોનમાં ફિઝિકલ ડેમેજ છે, તેથી વોરંટી લાગુ નહીં પડે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં મોટાભાગના ગ્રાહકો કંપની સામે લાચાર બનીને હારી જતા હોય છે, પરંતુ વિકી કપૂર પાછા ન હટ્યા અને તેમણે કન્ઝ્યુમર કમિશનના દરવાજા ખખડાવ્યા. કમિશનની સામે જ્યારે સમગ્ર મામલો આવ્યો અને કંપની પાસેથી પૂરાવા માંગવામાં આવ્યા, ત્યારે સેમસંગ પોતાના દાવાને સાબિત કરવા માટે કોઈ મજબૂત પુરાવા રજૂ કરી શકી નહીં. કમિશને સ્પષ્ટપણે નોંધ્યું કે ફોન વેચતી વખતે મોટી મોટી વાતો કરતી કંપનીઓએ વોરંટી પીરિયડમાં ગ્રાહકોને સંતોષકારક સર્વિસ ના આપીને ગ્રોસ નેગ્લિજન્સ એટલે કે મોટી બેદરકારી દાખવી છે.
આ કેસનો ચુકાદો આપતી વખતે કમિશને ગ્રાહકના પક્ષમાં મોટો ફેંસલો સંભળાવ્યો છે. સેમસંગ કંપનીને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ ફોનની કિંમતના 88,000 રૂપિયા ગ્રાહકને પાછા આપે. આટલું જ નહીં, પરંતુ કંપનીની આ હઠ અને પરેશાની બદલ દંડ તેમજ વ્યાજ ઉમેરીને કુલ 98,000 રૂપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે. આ કેસ એ તમામ ટેક લવર્સ અને સામાન્ય ગ્રાહકો માટે એક મોટી આંખ ઉઘાડનારી ઘટના છે કે જો કંપની તરફથી સર્વિસ કે વોરંટીના મામલે કોઈ ચેડા કરવામાં આવે, તો કાયદાકીય લડીને ન્યાય મેળવી શકાય છે. સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે અને ગ્રાહકો સેમસંગની આ પ્રકારની સર્વિસ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
